અમદાવાદ, તા.૨૨
ગુજરાત સહિત આજે દેશભરમાં બેકીંગ ક્ષેત્રની રાષ્ટ્રવ્યાપી હડતાળના એલાનના કારણે અબજો કરોડના દેશના નાણાંકીય વ્યવહાર ખોરવાઇ ગયા હતા. ગુજરાતભરની વાત કરીએ તો, રાજયમાં આજની બેકીંગ હડતાળને કારણે અંદાજે પાંચ હજાર કરોડ રૂપિયાના નાણાંકીય વ્યવહારો ઠપ્પ થઇ ગયા હતા, જયારે રૂ.૧૫૦૦ કરોડના ચેક કલીયરીંગના કામો અટવાઇ પડયા હતા. બેકીંગ હડતાળના કારણે એક તરફ નાગરિકો ખાસ કરીને ધંધા-રોજગારવાળા અને ડેઇલી ટ્રાન્ઝેકશન કરતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તરફથી આ રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું, જેના કારણે દેશભરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં કામકાજ ઠપ્પ થઇ ગયું હતું. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં હજારો કરોડના ચેક કલીયરીંગ અને નાણાંકીય વ્યવહારો ખોટવાઇ પડયા હતા. જેના લીધે લોકોના મહત્વના ખાસ કરીને આર્થિક કામો અટવાયા હતા. શહેરના નહેરૂબ્રીજ પાસેથી બેકીંગ કર્મચારીઓએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ હાથમાં વિશાળ બેનરો, વાવટાઓ અને પ્લેકાર્ડ દર્શાવી રેલી કાઢી હતી અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો. વિવિધ બેકીંગ યુનિયનો તરફથી ચીમકી આપવામાં આવી હતી કે, જો સરકાર હજુ પણ બેંકો અને તેના કર્મચારીઓની માંગણી કે પડતર પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ અપનાવી નિર્ણય નહી કરે તો, આગામી દિવસોમાં સંસદ સુધી ધરણાં યોજવામાં આવશે. ગુજરાતની જેમ દેશના અન્ય રાજયોમાં પણ બેંકોની હડતાળ સજ્જડ અને જડબેસલાક રહી હતી. જેના કારણે અબજો કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો અને નાણાંકીય ટ્રાન્ઝેકશન ખોરવાઇ ગયા હતા. દેશના અન્ય ભાગોમાં પણ બેકીંગ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા રેલી, ધરણાં અને દેખાવો સહિતના વિરોધદર્શક કાર્યક્રમો યોજાયા હતા.
બેકિંગ સેક્ટરની મુખ્ય માગણીઓ કઇ કઇ….

(૧) રાષ્ટ્રીયકૃત બેંકોના ખાનગીકરણ અને મર્જરની પ્રક્રિયાનો સખત વિરોધ
(૨) જીએસટીના નામે વધારાના વસૂલાતા ચાર્જીસ બંધ કરો
(૩) ડિફોલ્ટરો વિરૂધ્ધ કાર્યવાહી કરી અસરકારક રિકવરી કરો
(૪) કોર્પોરેટ ડિફોલ્ટરોના એનપીએનો બોજો ગ્રાહકો પર ના નાંખો
(૫) ગ્રાહકોને વિવિધ ચાર્જીસના વધારાના બહાને શિકાર ના બનાવો
(૬) રાષ્ટ્રીયકૃત બેંકોની કામગીરી, સ્વતંત્રતા પર તરાપ ના મારો
(૭) બેકીંગ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરો