(એજન્સી) તા.૫
દેશમાં શેડો બેન્કિંગ પર ચાંપતી નજર રાખવા પગલાં ભરવા માટે સરકારે કેન્દ્રીય બેન્કને વધુ સત્તા આપવાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે બેન્કો મિલકતોની ખરીદી મામલે ફંડ માટે ગારન્ટી મેળવવા સુધી પહોંચ વધારે. જોકે હવે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હવે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓનું પણ નિયંત્રણ કરશે. નિર્મલા સીતારમણે કહ્યું કે હવે તેના બદલે નેશનલ હાઉસિંગ બેન્કની સ્થાપના કરવામાં આવશે. તેમણે આ ટિપ્પણી બજેટ સેશનમાં કરી હતી.
નાણામંત્રીએ કહ્યું કે બિન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓ(એનબીએફસી) ગ્રાહકોની માગ જાળવી રાખવા માટે તથા નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક ક્ષેત્રોમાં મૂડી નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. મજબૂત એનબીએફસીને બેનકો અને મ્યુચ્યુઅલ ફંડથી પૈસા મળી જાય છે. નાણાંકીય રીતે મજબૂત એનબીએફસીના ઉચ્ચ કેટેગરીવાળી સમ્મિલિત પરિસંપત્તિઓને ખરીદવા માટે સરકારે પહેલીવાર ૧૦ ટકા સુધીની ખોટ માટે જાહેર ક્ષેત્રની બેન્કોને એકવાર છ મહીનાની લોન ગારન્ટી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ભારતીય રિઝર્વ બેન્ક એનબીએફસીનું નિયામક છે પણ આરબીઆઇને એનબીએફસી પર મર્યાદિત અધિકારો છે. નાણાં બિલમાં આરબીઆઇના નિયામક પ્રાધિકરણ અને અધિકારોને મજબૂતી આપવા સંપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે હવે સરકારના આ નિર્ણયથી દેવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પ અને અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લિમિટેડને નવા ફંડ મેળવવા માટે વલખાં મારવા પડી શકે છે.

IT રિટર્ન આધાર કે પાનકાર્ડથી ફાઇલ કરી શકાશે

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના પ્રથમ બજેટમાં આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને ખુબ જ સરળ બનાવી છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, આવકવેરા રિટર્ન ફાઈલ કરનારાઓ માટે હવે પાન કાર્ડની જરૂર નહીં રહે. પાન કાર્ડ અને આધાર કાર્ડને ઈંટર-ચેંન્જેબલ બનાવી દેવામાં આવ્યું છે. આઈટીઆર હવે આધાર કાર્ડ સાથે પણ ફાઈલ કરી શકાશે. નવા નિયમથી પાનકાર્ડ નથી પરંતુ આધાર કાર્ડ છે એવા એન્ટ્રીલેવલના કરદાતાઓને લાભ થવાની ધારણા છે. નાણા પ્રધાનેે જણાવ્યું હતું કે, કરદતાઓ માટે સુવિધા વધારવા પર અમારી સરકાર ભાર આપી રહી છે. હવે આઈટીઆર ફાઈલ કરવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડને ઈંટર-ચેન્જેબલ બનાવવામાં આવી રહ્યું છે. પાન કાર્ડ ના હોય તો હવે જેની પાસે પણ આધાર કાર્ડ છે તેઓ પણ આઈટીઆર ફાઈલ કરી શકશે. આધાર કાર્ડ મારફતે પણ આઈટીઆર ફાઈલ કરી શકાશે.

બજારને મોદી સરકારનું બજેટ ન ગમ્યું, શેરબજાર લાલચોળ

(એજન્સી) નવી દિલ્હી, તા.૫
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું તો શેર બજાર ગગડવા લાગ્યું હતું. નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ સાંભળ્યા બાદ શેરબજાર લાલચોળ થઇ ગયું. બજેટના દિવસે સવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી પરંતુ નિર્મલા સીતારમણે અડધી સ્પીચ પણ પુરી કરી ન હતી ને શેરબજારમાં ભારે કડાકો થયો. બજેટની રજૂઆત દરમિયા શેરબજાર સતત ગગડતું રહ્યું. દિવસના અંતે સેંસેક્સમાં ૩૯૪.૬૭ અને નિફ્ટીમાં ૧૩૫ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. સેંસેક્સ ૩૯,૫૧૩ અને નિફ્ટી ૧૧,૮૧૧ પર બંધ રહ્યા હતા. સવારે તો સેન્સેક્સે ૪૦,૦૦૦ની સપાટી પાર કરી દીધી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત-
૩ કરોડ દુકાનદારોને પેન્શન મળશે !

(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ શુક્રવારે રજૂ કરતા કહ્યું છે કે, ૧.૫ કરોડ રૂપિયાથી ઓછો કારોબાર કરનારા દેશના ૩ કરોડ છૂટક ધંધાદારીઓ અને વેપારીઓ માટે પ્રધાનમંત્રી કર્મયોગી માનવેતન પેન્શન લાભ યોજના લવાશે. એટલેકે નાના દુકાનદારોને પણ પેન્શન સાથે જોડવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે, નાના દુકાનદારોને પેન્શન આપવામાં આવશે સાથે જ ૫૯ મિનિટમાં તમામ દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આનો લાભ ત્રણ કરોડથી વધુ નાના દુકાનદારોને મળી શકશે.

જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પૂછ્યું –
૧ કરોડ રુપિયા રોકડા કાઢીને કોઈ શું કરશે?

(એજન્સી) તા.૫
બજેટ રજૂ કર્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદને સંબોધતાં અનેક સવાલોના જવાબો આપ્યા હતા. તેમને પૂછાયું કે સરકાર આટલા મોટા બહુમત સાથે આવી છે પણ મિડલ ક્લાસની આશાઓની અવગણના કરતા ૧ કરોડ રુપિયા બેન્કથી કાઢવા પર ર ટકા ટીડીએસ લગાવી દીધો સાથે જ પેટ્રોલ-ડીઝલ પર પણ એક્સાઇઝ ડ્‌યૂટી વધારી દીધી છે? તેના પર નાણામંત્રીએ વળતો સવાલ કર્યો હતો કે તમે જણાવો કે કોઇ એક કરોડ રુપિયા કેશ કાઢીને શું કરશે? મને સમજાતું નથી. તેમણે કહ્યું કે અમે તમારા એક કરોડ રુપિયાની વિરુદ્ધ નથી. તમારા રોકડના ઉપાડના વિરોધી છીએ. તમે ઇલેક્ટ્રોનિક લેવડ-દેવડ કરો. તેના પર કોઇ ચાર્જ નહીં લાગે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે અમે આ બજેટ આગામી ૧૦ વર્ષને ધ્યાનમાં રાખીને જ તૈયાર કર્યું છે. સ્ટાર્ટઅપને ભારે છૂટ આપવામાં આવી છે. પીએમ મોદીએ કેન્દ્રીય બજેટને દેશને સમૃદ્ધ અને જન જનને સમર્થ બનાવતું ગણાવ્યું અને કહ્યું કે આ બજેટમાં આર્થિક સુધાર, નાગરિકોના જીવન સ્તરે શ્રેષ્ઠ બનાવવાની સાથે ગામ તથા ગરીબ કલ્યાણ પણ સામેલ છે.

NRIને ભારત આવતાંની સાથે
જ રાહ જોયા વગર આધારકાર્ડ
મળી જશે : નિર્મલા સીતારમણ

(એજન્સી) તા.૫
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું કે, બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને ભારત આવતાની સાથે જ આધારકાર્ડ મળી જશે, તેમને તેના માટે કોઈ રાહ જોવી નહીં પડે. નોંધનીય છે કે, હાલના નિયમ પ્રમાણે જો એનઆરઆઈ લોકોને આધારકાર્ડ મેળવવું હોય તો તેમને ૧૮૦ દિવસ સુધી ભારતમાં રહેવું પડે છે. એનઆરઆઈ લોકો પાસપોર્ટનો ઉપયોગ કરી આધારકાર્ડ માટે અરજી કરી શકે તે માટે સરકાર યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આધારકાર્ડમાં એક સત્તાવાર ઓળખ નંબર હોય છે, જે સેન્ટ્રાલાઈઝ ડેટાબેઝ સાથે સંકળાયેલો હોય છે અને તેમાં નાગરિકોની બાયોમેટ્રીક તેમજ અન્ય સંબંધિત વિગતો હોય છે.