અમરેલી, તા.૮
આજે દેશ ભરની પોસ્ટ ઓફિસના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓને લઇને અમરેલીના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાઈ ટપાલ રજિસ્ટ્રી કામગીરીથી દૂર રહેતા હાડમારી સર્જાઈ હતી. જયારે પોસ્ટ કર્મચારીઓની હડતાળમાં બેંક વર્કર્સ યુનિયન પણ જોડાતા બેંકિંગ ક્ષેત્રેના કામોમાં પણ અસર પડેલ હતી.
આજે અમરેલી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇ આજે તેમજ આવતીકાલે બુધવારે હડતાળ પર હોવાથી પોસ્ટ ઓફિસની તમામ કામગીરી બંધ રહેતા લોકોને ભારે હાડમારી સર્જાઈ હતી. ભારતીય ટપાલ વિભાગના તમામ કર્મચારીઓ તથા તમામ યુનિયનો અને પોસ્ટલ ફેડરેશન દિલ્હીના આદેશથી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસોના કર્મચારીઓ કામથી અળગા રહ્યા. પોસ્ટ ઓફિસ બહાર મંડપ નાખી છાવણી નાખી બેસી ગયેલ હતા, જેના કારણે વ્યવહારો અટકી ગયેલ હતા. તમામ ટપાલ રજિસ્ટ્રી કામગીરી બંધ રહેતા લોકોને હાલાકી સર્જાઈ હતી, પોસ્ટ ઓફિસના ના કર્મચારી સાથે બેંક વર્કર્સ યુનિયન યુનિટી પણ સાથે જોડાતા બંને વિભાગની સયુંકત હડતાળથી લોકોને હાલાકી સર્જાઈ હતી.