(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૮,
મંગળબજારના માથાભારે પંડ્યા બંધુઓએ વિસ્તારનાં કુખ્યાત મયંક ટેલરની કરપીણ હત્યા કરવાના બનાવ પાછળ મયંક પટેલને બંટી પંડ્યાની પત્ની સાથે આડા સંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે. અને આ અદાવતમાં મયંક ટેલરની કરપીણ હત્યા કરી પંડ્યા બંધુઓ ફરાર થઇ ગયા છે. પોલીસે વિવિધ સ્થળોએ ફરાર પંડ્યા બંધુઓની શોધખોળ હાથ ધરી છે.
દોઢ મહિના પૂર્વે મંગળબજારમાં ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ પંડ્યો અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી. ત્યારબાદ ગુરૂવારે રાત્રે નવાબજારનાં નાકે મિત્રો સાથે ઉભેલા મયંક ટેલર ઉપર પંડ્યા બંધુઓએ તલાવર અને ગુપ્તી વડે હુમલો કરી ઉપરા-છાપરી ૮ ઘા ઝીંકી મયંકની કરપીણ હત્યા કરી નાખી હતી.બનાવને પગલે સીટી પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં હત્યા પાછળ મયંક ટેલર અને બંટી પંડ્યાની પત્ની ધારા વચ્ચે આડાસંબંધ હોવાનું બહાર આવ્યું છે. સીટી પોલીસ મથકનાં પી.આઇ. ડી.જે. સોસા એ જણાવ્યું હતું કે, ૩ દિવસ અગાઉ મયંક ટેલરે ધારાના બેન્ક એકાઉન્ટમાં બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જેની જાણ બંટી પંડ્યાને થઇ જતાં મામલો બિચકયો હતો અને તેનો બદલો લેવા પંડ્યા બંધુઓએ ગુરૂવારે રાત્રે મયંક ટેલરની ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે વિવિધ સ્થળે પંડ્યા બંધુઓને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે. જોકે, હજુ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.ઉલ્લેખનીય છે કે, મંગળબજારનાં વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સમીર ઉર્ફે બંટી અને ચિરાગ પંડ્યા ગુનાહીત ભુતકાળ ધરાવે છે. ચિરાગ પંડ્યા વિરુદ્ધ લૂંટ, ખંડણી, હત્યાની કોશિષ અને મારામારીના ૮ ગુના નોંધાયેલા છે. જ્યારે સમીર ઉર્ફે બંટી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી અને લૂંટના ૨૪ ગુના નોંધાયેલા છે. અગાઉ બંને ભાઇઓની પાસાઓ હેઠળ અટકાયત થઇ હતી. જ્યારે મોતને ભેટનાર કુખ્યાત મયંક ટેલર સામે પણ હત્યાના પ્રયાસ સહિત ૫ ગુના નોંધાયેલા છે.