Ahmedabad

બાપાના માર્ગે બાપુ : શંકરસિંહે ત્રીજો મોરચો રચવા કમર કસી

અમદાવાદ, તા.ર૦
કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ બુદ્ધિજીવીઓના બહાને ફરી રાજકારણમાં આવી રહ્યા હોવાના એંધાણ જોવા મળી રહ્યા છે. એટલે આગામી વિધાનસભાની ચૂંટણી ત્રીજો મોરચો રચીને શંકરસિંહ આડકતરી રીતે ભાજપને ફાયદો પહોંચાડે તો નવાઈ નહીં.
શંકરસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ તેમના નિવાસસ્થાને વસંત વગડામાં વિવિધ સમાજના આગેવાનો અને જાહેર જીવનમાં સક્રિય કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. જેમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને આગામી દિવસોમાં પ્રજાના પ્રશ્નોના બંધનમાં બંધાઈ પ્રજાને વેદના અને વ્યથાના બંધનમાંથી મુક્ત કરવા અને ઉગારવા નોંધારાના આધાર બની સક્રિય થવા શંકરસિંહ વાઘેલાને આગેવાનોએ અનુરોધ કર્યો હતો. એટલે કે શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં સક્રિય થવાના અને અગાઉની ર૦૧રની ચૂંટણીમાં કેશુબાપાએ ત્રીજો મોરચો માંડ્યો હતો તેમ શંકરસિંહ પણ ત્રીજો મોરચો માંડીને ભાજપથી નારાજ પાટીદારો સહિતના મતદારો કોંગ્રેસને મત ના આપે અને ભાજપને તેનો ફાયદો થાય તેવી વ્યૂહરચના ઘડે તેવી શક્યતા વર્તાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસથી છેડો ફાડતી વખતે શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે, તેઓ કોઈપણ પક્ષની કંઠી ધારણ કરશે નહીં. પરંતુ જે રીતે વાઘેલાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. તે જ બતાવે છે કે બાપુનું શરીર ભલેને કોંગ્રેસમાં હજી પણ તેમનો આત્મા તો ભાજપમાં જ હતો તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે આગામી ચૂંટણીમાં ભાજપને લાભ પહોંચાડવા ત્રીજો મોરચો રચવા માટે તેમના સમર્થકોનો સહારો લીધો હોય તેવી ચર્ચાઓ વેગવંતી બની છે. જો કે મીડિયા સાથેની વાતચીતમાં શંકરસિંહે ત્રીજો પક્ષ રચવાની વાતને નકારી દીધી હતી જેની સરકાર તેની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું.
એટલે કે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર તેમના સ્વભાવ મુજબ કહીને ફરી જાય તો તેઓ ત્રીજો મોરચો માંડશે જ તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.