અમદાવાદ,તા.૨૧
રાજય વિધાનસભાની ચૂંટણીને બહુ ઓછા દિવસો બાકી છે ત્યારે ઉમેદવારીની યાદીના મામલે કોંગ્રેસને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તેમા હવે અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપર અમદાવાદ શહેરના પૂર્વ મેયર રહી ચૂકેલા અને ત્રણ વખત ચૂંટણી હારી ચુકેલા એવા હિંમતસિંહ પટેલને ટીકીટ આપવામા આવશે તો સ્થાનિક કોર્પોરેટર તૌફિકખાન પઠાણે અપક્ષ ઉમેદવારી કરવાની મોવડીમંડળને ચીમકી આપી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવે એ અગાઉ તમામ ટીકીટોની વહેંચણી કરી દેવાનો કોંગ્રેસ મોવડીમંડળ દ્વારા પ્રયાસ કરવામા આવી રહ્યો છે તેવા સમયે જ અમદાવાદ શહેરની બાપુનગર બેઠક ઉપરથી બે વખત વિધાનસભા અને એક વખત લોકસભા એમ કુલ મળીને ત્રણ ચૂંટણી હારી ચુકેલા અમદાવાદ શહેરના પૂર્વ મેયર રહી ચુકેલા એવા હિંમતસિંહ પટેલને મોવડીમંડળ દ્વારા ટીકીટ આપવામા આવશે એવી વાત બાપુનગરમાં પ્રસરી જતા કોંગ્રેસના કાર્યકરોની સાથે સ્થાનિક કોર્પોરેટરોમાં પણ ઉગ્ર રોષ જોવા મળ્યો છે.સ્થાનિક કોર્પોરેટર તૌફિકખાન પઠાણે તો જો હિંમતસિંહને ટીકીટ આપવામા આવશે તો તેઓ અપક્ષ ઉમેદવારી કરશે એવી મોવડીમંડળને ચીમકી પણ આપી દીધી છે.કોંગ્રેસમાં ચાલી રહેલા કકળાટની વચ્ચે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને હિંમતસિંહ વચ્ચે પારીવારીક અને વ્યાપારીક સંબંધ હોવાના નાતે ગેહલોતે પોતે બાપુનગર બેઠક ઉપર હિંમતસિંહના નામની ભલામણ કરતા બાપુનગરમા કોંગ્રેસી આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામા આવ્યો છે. જ્યારે તૌફિકખાન દ્વારા એએમસીમાં વિપક્ષ નેતા દિનેશ શર્માને ટિકિટ આપવાની માંગ કરી હોવાની પણ ચર્ચા તેજ છે.