(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૪
ગુજરાતના રાજકારણમાં હજુ પોતાનો દબદબો જળવાયેલો હોવાનું પ્રસ્થાપિત કરતું શક્તિ પ્રદર્શન અગ્રણી દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે કર્યું હતું. ગાંધીનગરમાં સ્નેહમિલનના નામે યોજાયેલ બાપુના આ શક્તિ પ્રદર્શનમાં તેમણે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. બાપુએ ભાજપને કાવતરાખોર પાર્ટી ગણાવતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે સાડાચાર વર્ષનો હિસાબ આપવા માટે કંઈ નથી. આ સરકારમાં ગુજરાતનો તાત આપઘાત કરી રહ્યો છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ લગભગ નિષ્ક્રિય જેવા થઈ ગયેલા શંકરસિંહ વાઘેલાએ ફરી રાજકારણમાં સક્રિય હોવાના પ્રયાસો હાથ ધર્યા છે. જસદણની પેટાચૂંટણી અને લોકસભાની આગામી ચૂંટણીને લઈ બાપુ ફરી સક્રિય થઈ જતાં રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. બાપુએ આજે ગાંધીનગરમાં યોજેલ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યભરમાંથી તેમના સમર્થકો રાજકીય-સામાજિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત એનસીપીના જયંત બોસ્કી તેમજ સહકારી અગ્રણી વિપુલ ચૌધરી પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ બાપુ માટે થોડાક દિવસો અગાઉ ભાજપ છોડનાર પુત્ર મહેન્દ્રસિંહ હાજર ન રહેતા ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી. શંકરસિંહ વાઘેલાએ હાર્દિક પટેલને લઈને જણાવ્યું હતું કે, પાટીદાર અનામત માટે લડી રહેલ છોકરાને કોઈ મકાન ભાડે આપતું નથી તે માટે લોકોને ડરાવવામાં આવે છે તેને સભા માટે પણ મંજૂરી આપવામાં આવતી નથી. આ તે કેવી લોકશાહી છે ?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકારમાં સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓને પણ સરખી રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આરબીઆઈને તેની રીતે કામ કરવા દો. તેની પાસેથી કેમ પૈસા માંગવામાં આવે છે. આમ જ થશે તો દેશ ખતમ થઈ જશે. પાપ છૂપાવવા માટે સીબીઆઈનો સહારો લેવામાં આવી રહ્યો છે. સીબીઆઈનું પાપ પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા વિશે બોલતા શંકરસિંહે કહ્યું હતું કે, તમે સરદાર સાહેબની પ્રતિમા, મહાત્મા મંદિર પર આઠ-દસ હજાર કરોડ રૂપિયા ખર્ચો છો તે બિન ઉત્પાદક છે. આ રાજ્યના માણસને સરકારની જરૂર જ નથી. સુખી માણસો છે સરકાર હોય તો પણ શું અને ના હોય તો પણ શું. પણ ૨૦૦૦થી દશા બેઠી છે. લગભગ અઢી લાખ કરોડ રૂપિયા દેવું થઈ ગયું છે.