(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૬
ગુજરાતની દલખાણિયા રેન્જમાં એક પછી એક ટપોટપ રપ જેટલા સિંહોના મોતના બનાવે દેશભરમાં ચકચાર જગાવી દેતા રાજયની ભાજપ સરકાર બરોબરની ભીંસમાં મુકાઈ છે. ચારે તરફથી સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્યા છે અને સરકાર હજુ તપાસ કરનાર નિષ્ણાતોની ટીમના તપાસ અહેવાલની રાહ જોઈ રહી છે. સુપ્રીમકોર્ટે પણ સિંહોના મોતનું કારણ જાણવાના આદેશો કરી સમગ્ર મુદ્દાને ગંભીર ગણાવ્યું છે ત્યારે હવે ગુજરાત સરકારે ભારે વિવાદને લઈને બચેલા સિંહોને પોરબંદરના બરડા ડુંગર અભ્યારણ્યમાં શિફટ કરવાનો નિર્ણય લીધો છે. કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને પ્રોટોજોઆ ઈન્ફેકશનના કારણે ગીર અભ્યારણ્યમાં અત્યાર સુધી ર૩ સિંહોના મૃત્યુ થઈ ચૂકયા છે અને હવે માત્ર ર૬માંથી ત્રણ જ સિંહો બચ્યા છે જેઓ સારવાર હેઠળ છે. ત્યારે હવે સિંહો માટે સરકારે આખરે નિર્ણય લીધો છે. વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે અમે ગીરના બચેલા સિંહોને જલદી જ પોરબંદર બરડા ડુંગર અભ્યારણ્યમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યારણ્ય રાજયની અંદર તેમનું બીજું ઘર હશે. બરડા ડુંગર અભ્યારણ્ય પોરબંદર જિલ્લાથી લગભગ ૮૦ કિ.મી. દુર સ્થિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં સિંહોના બીજા ઘરના રૂપે બરડા ઉપરાંત મધ્ય પ્રદેશના કુનો પાલપુર સહિત બે અન્ય અભ્યારણ્યને મંજૂરી મળી હતી. કોર્ટે જયારે ર૦૧૩માં સિંહોને કુનો પાલપુર શિફટ કરવાના આદેશ આપ્યા હતા ત્યારે ગુજરાતે બીજું અભ્યારણ્ય તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો. જયાં સિંહોને રાખી શકાય. બરડા ડુંગર ૩૪૩ કિ.મી. વિસ્તારમાં ફેલાયેલ છે. સિંહોને મધ્યપ્રદેશ ખસેડે તો વિરોધ ઉઠી શકે તેમ હોઈ સરકાર પાસે આ છેલ્લો વિકલ્પ હતો. નોંધનીય છે કે ગીરમાં થયેલા સિંહોના મૃત્યુ પર સુપ્રીમકોર્ટે ચિંતા જતાવી હતી અને કેન્દ્ર તથા રાજય સરકારને તેના કારણો જાણવા માટે પણ કહ્યું હતું કોર્ટે સિંહોના મૃત્યુ પર બુધવારે કેન્દ્ર અને ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ ખૂબ ગંભીર મુદ્દો છે અને સિંહોને બચાવવા જોઈએ.
સિંહોના મોતને પગલે સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટ પણ ચિંતા વ્યકત કરી છે મોદી સરકાર પણ આ બાબતે અતિ ગંભીરતાથી આ મામલાને લઈ રહી છે. સમગ્ર ઘટનામાં દેખરેખ તેમજ મદદગારી કરવા બે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ગોધરા ડિવિઝન આઈએફએસને ગીર ખાતે ચીફ કન્ઝર્વેટરની મદદ માટે મુકવામાં આવ્યા છે. તો ગાંધીનગરના આઈએફએસ રામ-રતન નાલાને મૃત્યુ પામેલા સિંહો અંગેની તમામ વિગતો એકત્ર કરવાની કામગીરી સોંપવામાં આવી છે. નિમણૂક કરવામાં આવેલા અધિકારીના કામનો ચાર્જ અન્ય બે આઈએફએસને સોંપાયો છે.