અમદાવાદ, તા.૯
રાજ્યભરમાં ચકચાર મચાવનાર મગફળી કાંડની સાથે બારદાન ખરીદી કાંડ પણ એટલું જ ચર્ચાસ્પદ બન્યું છે. બજારમાં સારી ક્વોલિટીના જે બારદાનની કિંમત રૂા.૪૦ છે તે બારદાન રૂા.૩૧ વધારે ચૂકવી રૂા.૭૧મા ખરીદવામાં આવ્યા છે. આ ભાવે કુલ ૧.૯૪ કરોડ બારદાનની રૂા.૧૩૮ કરોડના ખર્ચે ખરીદી કરવામાં આવી છે. આમ, બારદાન ખરીદીમાં રૂા.૬૦ કરોડ ૧૪ લાખ વધુ ચૂકવી દેવાયા છે. રૂા.૪૦૦૦ કરોડના મગફળી કાંડની સાથે બારદાન ખરીદીમાં પણ મુખ્યમંત્રીના નજીકની બારદાન કંપની અંગે તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીના નજીકની સંકડાયેલી કોલકાતાની ફેક્ટરીમાંથી ૧ કરોડ ૯૪ લાખ બારદાન ખરીદી જે ગુજરાતની એક કંપનીને સપ્લાય કરવામાં આવ્યા હતા અને આ બારદાનનો જથ્થો ગુજકેટને મળેલ છે. મગફળી કાંડની સાથે ચર્ચાસ્પદ બનેલા બારદાન કાંડની પોલીસ તપાસ રહી છે. ગુજકોટ દ્વારા ભાડે રાખવામાં આવેલા ગોડાઉનમાં મગફળીની ભેળસેળ નીકળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની સંડોવણીની વિગતો બહાર આવી છે. કોંગ્રેસ પક્ષની સતત લડતને કારણે રૂા.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપના પદાધિકારીઓ અને ભાજપ સાથે સંકળાયેલા એક પછી એક ચહેરા ખુલ્લા પડી રહ્યા છે ત્યારે ડઘાઈ ગયેલ અને ડરી ગયેલ ભાજપના પ્રદેશ પ્રમુખ જુદા જુદા બેજવાબદાર નિવેદન કરી રહ્યા છે. રૂા.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં નાફેડની જવાબદારી ગણીને નિવેદન કરનાર ભાજપ પ્રદેશ પ્રમુખે હકીકતથી અજાણ છે અથવા તો જાણી જોઈને સત્ય છુપાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ભાજપ પ્રમુખ કૌભાંડીઓને બચાવવા માટે કરી રહેલી કામગીરી બંધ કરે અને ખેડૂતોને ન્યાય આપે, ગુજરાતની તિજોરીને રૂા.૪૦૦૦ કરોડનો ચૂનો લગાવનારને ભાજપ રાજકીય આશ્રય આપવાનું બંધ કરે તેવી માંગ સાથે ભાજપ અધ્યક્ષ અને સરકારનો જવાબ માંગ્યો છે.