(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૬
બારડોલી આશિયાના નગરના એક ઘરમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયુ છે. યુવક પર સોમવારની રાત્રે કેટલાક અજાણ્યા ઈસમોએ હુમલો કરી ભાગી ગયા હોવાનું માતાએ જણાવ્યું હતું. ત્રણ દિવસ સુધી સારવાર વગર ઘરમાં પડી રહેલા ઇજાગ્રસ્ત પુત્રએ વતનમાં માતાને ફોન કરી તમામ હકીકત જણાવતા હુમલાની વાત બહાર આવી હતી.
બારડોલી આશિયાના નગર ખાતે રહેતો અને ટીવી રિપેરીંગના કામકાજ સાથે સંકળાયેલો ઈસ્તિયાક તારીખ ૧૧ મી રાત્રે ઘરમાં એકલો હતો ત્યારે કેટલાક ઈસમોએ ઘરમાં ઘુસીને ઘાતક હુમલો કર્યો હતો. જોકે ત્યારબાદ મિત્રના ફોનથી ઇજાગ્રસ્ત ઈસ્તિયાકે ધુલિયા (મહારાષ્ટ્ર) ફોન કરી પોતાની હાલત અને તમામ હકીકત કહેતા ઘરના સભ્યો તાત્કાલિક બારડોલી દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પુત્રને સારવાર માટે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલ માં લઇ આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ ઇસ્તીયારનું શનિવારે સવારે મોત નીપજ્યું હતું. ઈસ્તિયાના શંકાસ્પદ મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરી છે.