(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૫
દ્વારકાના રૂપેણ બંદરમાં એસઓજી દ્વારા કરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ત્યાંથી બુરખો પહેરેલી એક સ્ત્રી શંકાસ્પદ હાલતમાં જોવા મળતા તેણીને અટકાયતમાં લઈ પૂછપરછ કરાતા આ યુવતી છેલ્લા દોઢ વર્ષથી રૂપેણ બંદરમાં રહેતી હોવાનું ખુલ્યા પછી તેણી દોઢેક વર્ષ પહેલાં બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી કરી ભારતમાં પ્રવેશી ગયાની વિગતો પ્રકાશમાં આવી છે. આ યુવતીને પાસપોર્ટ, વીઝા વગર ભારતમાં ઘુસાડવા અંગે હાલમાં પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને તેઓનું જોઈન્ટ ઈન્ટ્રોગેશન શરૂ કર્યું છે તે દરમિયાન એસઓજી પીઆઈ કિશોરસિંહ ઝાલા તેમજ પીએસઆઈ ડી.બી. ગોહિલ અને સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદરમાં કંઈક અલગ જ પ્રકારની ભાષા બોલતી એક શંકાસ્પદ સ્ત્રીની અટકાયત કરવામાં આવી હતી. તેણીને એસઓજી કચેરીએ ખસેડી પૂછપરછ હાથ ધરાતા આ સ્ત્રી અહીંની રહેવાસી ન હોવાનું બહાર આવતા મહિલા પો.કો. મીનાબા ચુડાસમાને સાથે રાખી એસઓજીની ટૂકડીએ ઘનિષ્ઠ પૂછપરછ આરંભી હતી અને રૂપેણ બંદરમાં બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા. રૂપેણ બંદર પર આવેલા શાંતિનગર વિસ્તારમાં સૈયદ કાદરી અહેમદલ્લા ઉર્ફે સુરતી અબ્દુલ્લાના ઘરની પાસે આવેલી દુકાન નજીક બુરખો પહેરીને બેસેલી આ સ્ત્રી પર એસઓજીને પાકી શંકા પડતા તેણી દ્વારા બોલવામાં આવતી ભાષામાંથી ત્રુટક-ત્રુટક હિન્દી શબ્દ તારવવામાં આવતા તેણીનું નામ રૂકિયા નુરમિયા અબ્દુલશરીફ સૈયદ કાદરી (ઉ.વ.૧૯) હોવાનું અને તેણી મૂળ બર્મા (મ્યાનમાર) દેશના મુન્ડોન જિલ્લાના કવયલીન ગામની વતની હોવાનું ખુલ્યું હતું. એસઓજીએ તેણી પાસે ભારત આવવા માટે પાસપોર્ટ વીઝા વગેરે આધાર પુરાવા માંગતા તેણી પાસે કોઈ જ ન હોવાનું ખુલતા એસઓજી ચોંકી હતી. આ મહિલાને અટકમાં લેવાયાની દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવાયા પછી એસપી રોહન આનંદ સમક્ષ રજૂ કરી તેણીનું ઈન્ટ્રોગેશન શરૃ કરાતા તેણી અપરિણીત હોવાનું અને બર્માની વતની અને હાલમાં રૃપેણ બંદર પર શાંતિનગર સ્થિત કાદરી ચોકમાં રહેતી આશિયાના અહેમદલ્લા સૈયદ કાદરી સાથે ફોન પર વાતચીત કરતી હોવાનું ખૂલ્યું હતું. રૃકિયાને બર્માથી ભારત લાવવા માટે આશિયાના અને અબ્દુલરશીદ નુરમિયાએ પ્રેરણા અને ઉશ્કેરણી કરી તેણીને ભારત આવવા માટે ખર્ચના પૈસા આપ્યાની તેમજ રૃપેણ બંદર પર રહેવા માટેની વ્યવસ્થા કરી આપ્યાની પણ વિગતો પ્રકાશમાં આવી છે. ઉ૫રોકત વિગતોથી પોલીસે સઘન જોઈન્ટ ઈન્ટ્રોગેશન શરૃ કરતા રૃકિયા બર્માથી ભારતમાં ઘૂસવા માટે બાંગ્લાદેશની બોર્ડરમાં ઘૂસણખોરી કરી અલીગઢમાં નુરફાતીમા નામના મહિલાના ઘેર પહોંચી હોવાનું પણ ખૂલ્યું છે જ્યાં એક પખવાડયું રોકાયા પછી રૃકિયા ટ્રેન મારફત દ્વારકા આવી છેલ્લા દોઢેક વર્ષથી રૃપેણ બંદરમાં વસવાટ કરતી હોવાનું ખૂલતા એસઓજીએ વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.