(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન ચોકડી અને દુમાડ ચોકડી વચ્ચે મોડી રાત્રે જાનની લક્ઝરી બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી બસના ચાલક અને ક્લિનરનું મોત નિપજ્યું હતું, જ્યારે ર૩ જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મોડી રાત્રે ૩ વાગ્યાના સુમારે સુરતથી જાનૈયા લઈને અંબાજી જવા માટે નીકળેલી ઘનશ્યામ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના ચાલક સહદેવભાઈ પ્રભાભાઈ રબારી (રહે.સમરપુરા, મહીસાગર) તેમજ લક્ઝરી બસના ક્લિનરના સ્થળ પર મોત નિપજ્યા હતા, જ્યારે લક્ઝરી બસમાં સવાર ર૩ જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, રાત્રે ૩ વાગ્યાના સુમારે ફાયર બ્રિગેડને અકસ્માતની જાણ થતાં તુરંત જ સ્ટાફ સાથે પહોંચી ગયા હતા. આ બનાવમાં કોટન ભરેલી ટ્રકને તેની પાછળ જતા ટ્રેલરે ટક્કર મારી આગળ નીકળી ગઈ હતી, તે સાથે કોટન ભરેલી ટ્રકની પાછળ આવતી લક્ઝરી બસ કોટન ભરેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો પૈકી રવિકુમાર રાવલ (ઉ.૪૧), અજુભાઈ મોરિયા, ટીનાબહેન રાવલ (ઉ.૪૮), અમૃત ગોવાભાઈ રબારી (ઉ.પ૮) અને અંબાબહેન દર્શનભાઈ ચૌધરી (ઉ.૫૩)ને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ સાથે કેબિનમાં ફસાયેલા ચાલક સહદેવભાઈ રબારી ક્લિનરને કટર અને સ્કેડરની મદદ સહિત અન્ય સાધનોની મદદથી કેબિન કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેલરની ટક્કરથી કોટન ભરેલી ટ્રકની પાછળ લક્ઝરી બસ ભટકાતા ટ્રક ડિવાઈડર સાથે ભટકાઈને રોડની બાજુમાં ગટરમાં ઊતરી ગઈ હતી. મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવની જાણ હરણી પોલીસને થતાં પીઆઈ આર.એસ. બારિયા, એએસઆઈ અરવિંદભાઈ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નેશનલ હાઈવે ઉપર બનેલા આ બનાવને પગલે હાઈવે ઉપરનો ટ્રાફિકજામ થઈ ગયો હતો. હરણી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને ફરાર થઈ ગયેલા કોટન ભરેલ ટ્રકના ચાલક અને ક્લિનરની શોધખોળ હાથ ધરી છે.