(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
શહેરના ભીમનાથ બ્રિજ ત્રણ રસ્તા પાસે આજે વહેલી સવારે એસ.ટી. બસ અને ઓટોરીક્ષા સાથે અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલકને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર છાણી જકાતનાકા પાસે વી.એમ.સી. કવાર્ટસમાં રહેતાં પૃથ્વીરાજસિંહ ઉદેસિંહ પરમાર રીક્ષામાં આજે વહેલી સવારે ગોત્રી ખાતેથી મધ્યપ્રદેશનાં સીતાપુર જિલ્લસાનાં બગદીરામ વાલાજીભાઇ ડાંગી (ઉ.વ.૫૦)ને બેસાડી ભીમનાથ બ્રિજ પરથી સયાજી હોસ્પિટલ તરફ જઇ રહ્યાં હતા. તે દરમ્યાન ભીમનાથ બ્રિજનાં રસ્તા પાસેથી પુરપાટ ઝડપે પસાર થઇ રહેલી એસ.ટી.બસનાં ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રીક્ષામાં સવાર મુસાફર બગદીરામ ડાંગીનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક પૃથ્વીરાજસિંહને ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અકસ્માત અંગે રાવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.