(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણાનગર સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં રીક્ષામાં સવાર છ લોકો પૈકી બે વ્યકિતના મોત થયા હતા. અકસ્માતના બનાવના પગલે ફતેગંજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને કાર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળે મોતને ભેટેલા બે વ્યકિતના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ કેટરીંગના કોન્ટ્રાકટમાં મજુરી કામ કરતા મધ્યપ્રદેશના અને હાલ વડોદરા વારસીયા સાંઇકૃપા ફલેટમાં રહેતા સુરજીત સરદારસિંહ નાવરીયા તથા ધરમવીર લાલસિંહ યાદવ સહિત સંતોષ રામભવન યાદવ, રામનિવાસ બ્રિજલાલ યાદવ, શિવકુમાર મહેન્દ્ર યાદવ ઓટોરીક્ષામાં બેસીને વડોદરા તરફ આવી રહ્યા હતા તે વખતે રીક્ષા ચાલક આ તમામ મુસાફરોને લઇને પુરઝડપે આવી રહ્યો હતો તે વખતે નિઝામપુરા મહેસાણાનગર પાસે પુરઝડપે આવી રહેલી કારને બચાવવા માટે બ્રેક મારી હતી. જોકે પુરઝડપે પ્સામેથી આવી રહેલી કારના ચાલકે રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં રીક્ષામાં સવાર છ વ્યકિતઓને ઇજાઓ થવા પામી હતી. જેમાં સુરજીત નાવરીયા તથા ધરમવીર યાદવનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. અકસ્માત મોતના બનાવની જાણ ફતેગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતના બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મોતને ભેટેલા સુરજીત અને ધરમવીરના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સંદર્ભે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલક કાનસિક અલ્પેશભાઈ શાહ (રહે. ધર્મ રેસીડેન્સી, સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા રોડ) નાઓની અટકાયત કરી હતી.