(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨
ખેડા જિલ્લાના ધર્મજ ગામે આવેલ જૈન મંદિર ખાતે દર્શન કરવા આવી રહેલા મુંબઇ ખાતે રહેતો શાહ અને બાખરીયા પરિવારના સદસ્યોને વડોદરા શહેર ગોલ્ડન ચોકડી દરજીપુરા એરફોર્સ નજીક કાઠીયાવાડી હોટલ પાસે આજે વહેલી સવારે ઉભેલી ટ્રક સાથે કારનો ગમખ્વાર અકસ્માત નડતા શાહ દંપતિ સહિત ચાર વ્યકિતના ઘટના સ્થળ પરજ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે આ બનાવમાં ઘાયલ થયેલ એક ૧૫ વર્ષની કિશોરી તથા કાર ચાલકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની પણ હાલત નાજુક હોવાનું તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
બનાવની પ્રાપ્ત વિગતોનુસાર મુંબઇ મહારાષ્ટ્ર ખાતે રહેતા બિઝનેશમેન મિહીરભાઇ બાખરીયાના પત્ની હીનાબેન મિહીરભાઇ બાખરીયા (ઉ.વ.૩૮) પુત્રી પલબેન મિહીરભાઇ બાખરીયા (ઉ.વ.૧૫) તથા રાજેશભાઇ પન્નાલાલ શાહ (ઉ.વ.૫૩) તથા પત્ની જસ્મીનાબેન રાજેન્દ્રભાઇ શાહ (ઉ.વ.૪૬), રેખાબેન કિરીટભાઇ શાહ (ઉ.વ.૭૨) તેમજ કાર ચાલક મુંબઇથી આ પરિવાર કારમાં ગુજરાતના ખેડા જિલ્લાનાં ધર્મજ ખાતે આવેલ જૈન મંદિર ખાતે દર્શન માટે નિકળ્યો હતો. તેમની કાર રાષ્ટ્રીયધોરીમાર્ગ નં.૮ પર શહેર નજીક પસાર થઇ રહી હતી ત્યારે ગોલ્ડન ચોકડી એરફોર્સ પાસે આગળ ઉભેલી ટ્રકમાં કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.
આ ગંભીર અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામેલા રાજેન્દ્રભાઇ શાહ તેમની પત્ની જસ્મીનાબેન, હિનાબેન બાખરીયા તથા રેખાબેન શાહનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત ૧૫ વર્ષીય પલ બાખરીયા તથા કાર ચાલકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા દોડી આવેલી કારેલીબાગ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતનાં બનાવની જાણ મુંબઇ ખાતે રહેતા પરિવારજનોને કરવામાં આવતા તેઓ વિમાન માર્ગે વડોદરા સયાજી હોસ્પીટલ ખાતે આવી પહોંચ્યા હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો હતો.