(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
૮૭મા એરફોર્સ દિવસની ઉજવણી નિમિત્તે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગ, આકાશ ગંગા અને ગરૂડ ટીમ દ્વારા એરોબેટીકસ અને સ્કાય ડાયવિંગ કરવામાં આવ્યું હતું.
એરફોર્સના હવાઇ મથકે વિદ્યાર્થીઓને વાયુ સેનામાં જોડાયા માટે દ્રઢ સંકલ્પીત કરવા ૮૭મા વાયુ સેના સ્થાપના દિવસની શાનદાર રોમાંચક અને રૂંવાડા ઉભા થઇ જાય એવા સાહસ સભર એર શો અને સૈન્ય શક્તિના નિદર્શન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ અને ખાસ કરીને વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ અત્યંત રોમાંચની અનુભૂતિ સાથે જેગવાર સહિતના લડાકુ વિમાનો, પોર્ટેબલ રડાર્સ, સ્વદેશી ધ્રુવ સહિત ચિત્તાહ અને અન્ય હેલિકોપ્ટર્સ એ.એન.-૩૩ વાહક જહાજ શસ્ત્રો અને અદ્યતન ઉપકરણોનું સ્ટેટિક ડિસ્પ્લે નિહાળ્યું હતું. આકાશ ગંગાના પેરા ટ્રુપર્સ, ગરૂડ કમાન્ડો અને સારંગ ટીમના વિમાનો સાથે ફોટો પડાવવા અને સેલ્ફી લેવા રીતસરની વિદ્યાર્થીઓમાં પડાપડી થઇ હતી.
આ ટીમે ૮ હજાર ફૂટની ઊંચાઇએથી કલાક દીઠ ૧૨૦ માઇલની ગતિથી પેરા જંપીંગના કરતબો બતાવ્યા હતા. ટીમ દ્વારા વિબગયોર એટલે મેઘ ધનુષી રંગના તિરંગા રંગના આકાશી ફોર્મેશન દ્વારા અદ્‌ભુત કુશળતાનાં દર્શન કરાવ્યા હતા. આકાશગંગા પેરા ટ્રુપર્સ ટીમના સુકાની ગીત ત્યાગીએ ગુજરાત અને વડોદરામાંથી ખૂબ મોટી સંખ્યામાં યુવા-યુવતિઓ અને સેના અને વાયુ સેનામાં જોડાય એવો સ્થાપના દિવસે સંદેશ આપ્યો હતો. વધુમાં તેમને જણાવ્યું હતું કે, બાલાકોટ એર સ્ટ્રાઇકથી ભારતીય સેના શું કરી શકે છે એની એક આછેરી ઝલક મળી છે.