(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
નાગરીક સુરક્ષા કાયદાના વિરોધમાં ગુરૂવારે બંધના એલાનને પગલે મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં દુકાનો, હોટલો, પાનબીડીના ગલ્લા અને ચાની લારીઓ બંધ રહી હતી. તદુપરાંત મુસ્લિમ રીક્ષા ચાલકોએ પણ ધંધો બંધ રાખી ટેકો જાહેર કર્યો હતો. શાળા, કોલેજોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ રજા પાળી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. ગુરૂવારની સવારે યાકુતપુરા, પાણીગેટ, અડાણીયાપુલ અને ફતેપુરા વિસ્તારમાં પોલીસે ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. અમદાવાદના મુસ્લિમ સંગઠન દ્વારા ગુરૂવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
વડોદરાના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં પણ બંધના એલાનનો ટેકો જાહેર કરી ધંધા રોજગારના સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. ફતેપુરા ચાર રસ્તા અડાણીયાપુલ, યાકુતપુરા નાકા, મચ્છીપીઠ, પાણીગેટ વિ. સ્થળોએ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ રોજીંદી ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોનાં શટર પણ બંધ રહ્યા હતા. આજવા રોડથી છેક છાણી જુના જકાતનાકા સુધી મુસ્લિમ બહુમતિ ધરાવતા વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રહી હતી.
તાંદલજા, અકોટા, ફતેગંજ, નવાયાર્ડ, ગોરવા, છાણી રોડ, નવાપુરા, મચ્છીપીઠ, હાથીખાના ફતેપુરા, યાકુતપુરા, પાણીગેટ, લહેરીપુરા વિ.સ્થળોએ બંધની અસર જોવા મળી હતી. રીક્ષા ચાલકો પણ બંધમાં જોડાયા હતા. જેથી સ્ટેશન ડેપો વિસ્તારમાં રીક્ષાનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું હતું. શાળા કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ રજા પાળી વિરોધ નોંધાવ્યો હતો. સાંજ સુધી કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. શહેર પોલીસ તંત્ર દ્વારા સોશ્યલ મિડીયા પર બાજ નજર રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
નાગરીક સંશોધન કાયદાના મુદ્દે પૂર્વત્તર રાજ્યો અને દિલ્હીમાં થયેલા દેખાવો બાદ ગુજરાતમાં પણ વિરોધે જોર પકડયું છે. ૧૯મીએ સ્વેચ્છીક બંધ રાખવાની સોશ્યલ મિડીયામાં અપીલ કરાઇ હતી. તેના પગલે વડોદરામાં પણ મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં જડબેસલાખ બંધ પાડવામાં આવ્યો હતો. મુસ્લિમ વિસ્તારોમાં પોલીસે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. પીસીઆર વાન સાથે ઘોડેસવાર પોલીસ પેટ્રોલીંગમાં જોડાઇ હતી. બુધવારે રાત્રે વડોદરા શહેરમાં કેબ અને એનઆરસીનાં વિરોધ કરતાં પોસ્ટરો લાગ્યા હતા. જોકે પોલીસે તુરંત જ આ પોસ્ટર હટાવી દીધા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં ૨૦૦૦ પોલીસકર્મીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોસ્ટર લગાવવા બાબત પાંચ જેટલા યુવાનોને પોલીસ રાવપુરા પોલીસ મથકે લઇ આવતા મુસ્લિમ લોકોનાં ટોળા રાવપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. પોલીસે પુછપરછ કરીને પાંચેય યુવાનોને છોડી દીધા હતા. રાવપુરા પોલીસ સ્ટેશને ઉચ્ચ પોલીસ અધિકારીઓની આવન-જાવનને પગલે ઉત્તેજનાં વ્યાપી ગઇ હતી અને રાવપુરા રોડ પર ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોટે જણાવ્યું હતું કે, હજુ સુધી વડોદરામાં કોઇ સંગઠને બંધની જાહેરાત કરી નથી. સોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલ થયા છે. આ પ્રકરણના મેસેજ ફોરવર્ડ કરનાર ૫૦ થી વધુ લોકોને પુછપરછ માટે સાયબર સેલમાં બોલાવવામાં આવ્યા હતા. જેમની પુછપરછ કરી પાછા જવા દીધા હતા. વડોદરા શહેરમાં સોશ્યલ મિડીયા પર થયેલી અપીલને મુસ્લિમ બહુમતી વિસ્તારમાં પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. શહેરના તમામ મુસ્લિમ લોકોએ સ્વયંભુ પોતાના ધંધા-વેપાર બંધ રાખી સીએએ અને એનઆરસી નો પ્રચંડ વિરોધ નોંધાવ્યે હતો.
વડોદરામાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં વેપારીઓ તથા રિક્ષાચાલકોએ સજ્જડ બંધ પાળયો

Recent Comments