(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧,
વડોદરા સેન્ટ્રલ જેલમાંથી તપાસ દરમિયાન ગોધરાકાંડનાં આરોપીનાં બેરેકમાંથી પાંચ કેમેરાવાળા મોબાઇલ ફોન તેમજ ૧૫થી ૨૦ સીમકાર્ડ મળી આવતા જેલ સત્તાવાળાઓની કામગીરી પર સવાલો ઉભા થયા છે. રાવપુરા પોલીસે બનાવ અંગે ગુનો નોંધ્યો છે.આ અંગે જણાવતા એ.સી.પી. મેઘા તેવારે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા સેન્ટ્રલ જેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન જેલનાં બેરેક નં.૧૧ માં નળિયા નીચે છુપાવેલા ૫ કેમેરાવાળા મોબાઇલ ફોન, બે ચાર્જર અને એક બેટરી મળી આવી હતી. સાથે જ ૧૫થી ૨૦ જેટલા અલગ અલગ સીમકાર્ડ મળી આવ્યા હતા. જેનો ઉપયોગ કરીને વાતચીત કરવા આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ સમગ્ર બનાવની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ મોબાઇલ ફોન બેરેક નં.૧૧માં સાબરમતી કાંડનાં આરોપી સલીમ ઉર્ફે સલમાન યુસુફ જર્દા, ઇમરાન અને તૌસીફ નામનાં પાકા કામનાં કેદીઓ વાપરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અવાર નવાર જેલમાંથી મળી આવતા મોબાઇલ ફોનનાં બનાવને પગલે જેલ સત્તાધિશોની કામગીરી સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે.