(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૬
વડોદરા શહેરની મતદાર યાદીમાંથી હજારો નામો કમી કરવામાં આવ્યા હોવાનો ખુલ્લો આરોપ સાથે આજે કોંગ્રેસે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરી છે. ગુજરાત પ્રદેશના મહામંત્રી નરેન્દ્ર રાવતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નામો કમી કરવા મતદારોએ અરજી કરી નથી છતાં નામો ડિલીટ કરવામાં આવ્યા છે. સંયુક્ત પરિવારમાં રહેતા મતદાતાઓ પૈકી માતાનું નામ કમી કેવી રીતે થઈ જાય ? આવા અસંખ્ય ઉદાહરણ છે. રાજ પુરોહિત દુષ્યંત ગણેશ કે જે એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી છે તેમની પાસે ચૂંટણી કાર્ડ પણ છે. જેઓ સી-૧૭ આશિયાના સોસાયટી, ન્યુ સમા રોડ ખાતે રહે છે. તેમનું નામ તથા તેમના માતા કમલાદેવી ગણેશસિંગનું નામ ઈરાદાપૂર્વક ડિલીટ કરી દેવામાં આવ્યું છે. લિંબાચિયા દિનેશ શંકરલાલ કે જેઓ તિવારીની ચાલ સંત જોસેફ સ્કૂલ સામે નવાયાર્ડ ખાતે રહે છે. તેમનું નામ પણ ડિલીટ કરવામાં આવ્યું છે. આવા તો અનેક દાખલાઓ છે. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે, ભાજપના નેતાઓ સાથે મળી મતદાર યાદીનું કામ કરતા અધિકારીઓએ વિરોધી મતદારોના નામો મતદાર યાદીમાંથી ડિલીટ કરવામાં આવ્યા છે. આ એક ષડયંત્ર છે. તેમની સામે તાત્કાલિક પગલાં ભરી સસ્પેન્ડ કરવા તેમની સામે ફોજદારી કેસ કરવા માગણી છે. મતદાર યાદીમાં નામો કમી કરાવવા કે ઉમેરવાની કામગીરી કરતા અધિકારીઓ ર૦ ટકા મથકો ઉપર હાજર હોતા નથી. આ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. મતદાર સુધારણા યાદીની નવી તારીખો બહાર પાડી ડિલીટ કરેલા તમામ મતદારોના નામો ફરીથી દાખલ કરવામાં આવે તેવી માંગ છે.