(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૯
સરદાર પટેલના જીવન પરથી મળેલ એક ભારત શ્રેષ્ઠ ભારતની પ્રેરણા પ્રબળ બનાવવા સરકાર દ્વારા એકતા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આવતીકાલે તા.૨૦ના રોજ વહિવટ વોર્ડ નં.૨ ની કચેરી, સંવાદ કવાટર્સ ખાતે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમના પરિસરમાં કરવામાં આવી રહેલ છે અને તેનું અનાવરણ તા.૩૧-૧૦-૧૮ ના રોજ સરદાર પટેલની જન્મજયંતિના દિવસે વડાપ્રધાનના હસ્તે રાખવામાં આવેલ છે. નાગરિકોમાં સાંપ્રદાયિક સંવાદિતા, શકિતશાળી અને અખંડ ભારત માટેની દેશભકિતની ભાવના જાગે તે હેતુથી ગુજરાત સરકારી સૂચના મુજબ પાલિકાના વિસ્તારોમાં એકતા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. શહેર રસ્તે એકતા યાત્રાનો મુખ્ય કાર્યક્રમ તા.૨૦ના રોજ સવારે ૮ કલાકે વોર્ડ નં.૨ ની કચેરી, સંવાદ કવાટર્સ ખાતે યોજાશે. તા.૨૦ થી ૨૯ ઓકટોબર સુધી રથ શહેરમાં ફરશે. જે દરમિયાન એકતા યાત્રા અંતર્ગત વિવિધ વોર્ડમાં કાર્યક્રમો યોજાશે. સમગ્ર કાર્યક્રમને કોંગ્રેસ રાજકીય એજન્ડા ગણાવી રહી છે.