(સંવાદદાતા દ્વારા)
વડોદરા,તા.૨૬
શહેરના વડસર અને સમા વિસ્તારમાં રહેતા બે પરિવારનાં ૧૧ જેટલા સભ્યો સોમવારે બે કારમાં ઉજજૈન સ્થિત મંદિરે દર્શન માટે નિકળ્યા હતા. દરમ્યાન ઇન્દૌર-અમદાવાદ ફોરલેન હાઇવે પર ધાર બાયપાસ પાસે રસ્તા પર ઉભેલી રેતીના ડમ્પરમાં ધડાકાભેર કાર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર પાંચ પૈકી ચાર વ્યકિતઓનાં મોત નિપજ્યા હતા. આ ચારેય જણાનાં મૃતદેહોનાં આજે ભાઇલાલ અમીન હોસ્પિટલનાં કોલ્ડરૂમમાં મુકવામાં આવ્યા હતા. મૃતકનાં પુત્ર પરદેશથી આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના વડસર વિસ્તારમાં રહેતા બિલ્ડર પ્રવિણભાઇ પટેલ અને તેના પત્ની અમીષાબેન પટેલ પરિવારનાં અન્ય સભ્યો સાથે ઉજજૈન જતા હતા. અમાસ નિમિત્તે દર વખતે નર્મદા નદીએ દર્શન કરવા જતાં હતા. તેઓ ગઇકાલે પણ બે કારમાં ૧૧ સભ્યો ઉજજૈન જવા નિકળ્યા હતા. પરંતુ રસ્તામાં ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા ગયા હતા ત્યારે એક કાર ધાર ગામ નજીક ડમ્પર પાછળ ઘુસી જતાં પ્રવિણભાઇ પટેલ, એમના પત્ની અમિષાબેન પટેલ, તેમના ભાભી સુમિત્રાબેન, વર્ષાબેન ઠાકુરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે દિપકભાઇ ઠાકુરને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર જણાંના મોત નિપજતા પરિવારજનોમાં ઘેરાશોકની લાગણી ફેલાઇ જવા પામી હતી. ચારેય મૃતદેહોને ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેમના મૃતદેહોને ભાઇલાલ અમીન હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યા છે.
પ્રવિણભાઇનો પુત્ર ધ્રુવ અને સુમિત્રાબેનનો પુત્ર કેનેડાથી બુધવારે સવારે આવનાર છે ત્યારબાદ પ્રવિણભાઇ અને મનિષાબેનના મૃતદેહ વડસર સ્થિત આશ્રય સોસાયટીમાં લઇ જવાશે. જ્યાં ત્રણેવ જણાંની અંતિમ યાત્રા એક સાથે નિકળશે.