(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૧૦,
વડોદરા શહેરના હરણી એરપોર્ટ ખાતે આવેલી ઇન્ડીગોની ફલાઇટનાં કાર્ગોમાં મોકલવામાં આવેલી બે એરગન અને ૫૬ ગોળીનું પાર્સલ મળી આવ્યું હતું. ગોળીઓમાં આરડીએકસ હોવાની અફવા ફેલાતા એરપોર્ટ ઉપર ઉત્તેજના વ્યાપી ગઇ હતી. જોકે, ગોળીઓની તપાસ કરતાં ગોળીઓમાં પોટેશિયમ કલોરાઇડ હોવાનું બહાર આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
ડી.સી.પી. સરોજકુમારીએ જણાવ્યું હતું કે, હરણી એરપોર્ટ ખાતે આવેલી ઇન્ડીગો ફલાઇટમાંથી શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. પાર્સલમાંથી બે એરગન અને ૫૬ ગોળીઓ મળી આવી હતી. ગોળીની અંદર આરડીએકસ હોવાની વાત મળતા બોમ્બ સ્કોર્ડ અને એફ.એસ.એલ.ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ગોળીમાંથી પોટેશિયમ કલોરાઇડ હોવાનું બહાર આવ્યું છે. આરડીએકસનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ડીગો ફલાઇટમાંથી મળી આવેલું પાર્સલ સુરતથી અમૃતસર મોકલવામાં આવી રહ્યું હતું. આ પાર્સલ સુરતના આકાશગંગા કુરીયર મારફતે અમૃતસર મોકલવામાં આવી રહ્યું હતું. આ અંગે કુરિયરમાં પાર્સલ મોકલનારનાં નામ-સરનામા લઇ તેમની પુછપરછ કરવામાં આવશે. ઇન્ડીગો ફલાઇટમાંથી મળી આવેલ શંકાસ્પદ પાર્સલ અંગેની જાણ પોલીસને થતા તરત જ હરણી પોલીસ તેમજ ડીસીપી સરોજકુમારી સ્થળ પર દોડી ગયા હતા. આ પાર્સલનાં મામલે એરપોર્ટ ઉપર પોલીસ કાફલો ઉતરી જતાં એક તબક્કે અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો.