(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૩,
વડોદરા શહેરના પૂર્વ છેડે આવેલા બાપોદમાં મનપાએ ગરીબજનોના ઝૂંપડા તોડી પાડતાં રાતાચોળ થયેલા અસરગ્રસ્તોએ આ વિસ્તારમાંથી (વોર્ડ નં.પ) ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા કોર્પોરેટર હસમુખ મણીભાઈ પટેલને વૃક્ષના થડ સાથે બાંધી ફટકા માર્યા હતાં. કપડાં ફાડ્યા અને બેફામ ગાળોનો વરસાદ વરસાવી ગુસ્સો ઠાલવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત મે માસમાં વડોદરાના બાપોદ નજીક મનપાની દબાણશાખાએ ગેરકાયદે ઝૂંપડાઓ ઉપર બુલડોઝર ફેરવી દીધુ હતું. ઝૂંપડાવાસીઓને નોટિસ આપવામાં આવી ન હતી. કે વૈકલ્પિક જગ્યા પણ આપવા આવી ન હતી. આથી મે મહિનાથી અસરગ્રસ્તો હેરાન પરેશાન હતા. સ્થાનિક કોર્પોરેટરો પણ કાંઈ જવાબ આપતા ન હતા.
આજે સવારે વોર્ડ નં.પ હેઠળ આવતા બાપોદ વિસ્તારમાંથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા કોર્પોરેટર હસમુખભાઈ મણીભાઈ પટેલ તેમના મત વિસ્તારમાં પોતાની કાર લઈ આંટો મારવા ગયા હતા. તે વેળા અસરગ્રસ્તોએ તેમની કાર અટકાવી રજૂઆત કરવી છે એટલે કારમાંથી બહાર આવો તેમ જણાવતા હસમુખ પટેલ કારમાંથી નીચે ઉતરી રજૂઆત સાંભળવા ગયા હતા. બરાબર આ વેળા ટોળાએ તેમને પકડી નજીકના એક વૃક્ષ સુધી ખેંચી જઈ થડ સાથે મુશ્કેટાટ બાંધી દીધા હતા. અસરગ્રસ્તોએ હસમુખ પટેલને ફટકાર્યા હતા. બિભત્સ ગાળો ભાંડી હતી અને કપડાં ફાડી નાખ્યા હતા. કોઈ કે વીડિયો ઉતારી સોશ્યલ મીડીયા ઉપર વાયરલ કર્યો હતો. ઘટનાની જાણ બાપોદ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી હસમુખ પટેલને બાંધેલુ દોરડુ છોડી એ જ હાલતમાં પોલીસ મથકે લઈ ગયા હતા. જ્યાં તેમણે ૫૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રહીશો અને અસરગ્રસ્તોનો આક્રોશ એટલો બધો હતો કે પોલીસ મથકે પહોંચી ભાજપ વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
કોર્પોરેટર અગાઉ રાષ્ટ્રધ્વજ કચરામાં
ફેંકતાં વીડિયોમાં ઝડપાયો હતો
બાપોદ નવીનગરી વિસ્તારના સ્થાનિકોએ ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને ઝાડ સાથે બાંધી મારવાના બનાવથી ચકચાર મચી ગઈ છે. આ કોર્પોરેટર અગાઉ પણ ૧૫મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ધ્વજ કચરામાં ફેંકતા વીડિયોમાં ઝડપાઈ ગયા હતાં. તેમનો વીડિયો વાયરલ થતાં ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં આવી ગયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે વડોદરા ખાતે રાષ્ટ્રીય ધ્વજનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. ૧૫મી ઓગસ્ટના રોજ ભાજપના આ કોર્પોરેટર પોતાની કારમાંથી ઉતરી કચરામાં રાષ્ટ્રીય ધ્વજ ફેંકતા ઝડપાઈ ગયા હતા.
ઘટના શાસક પક્ષ અને તંત્ર માટે ચેતવણીરૂપ
ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને બેઘર બનેલા ઝૂંપડાવાસીઓએ વૃક્ષ સાથે બાંધી ફટકારવાની ઘટના ભાજપની ચૂંટાયેલી પાંખ અને વહિવટીતંત્ર માટે આંખ ખોલનારી છે. બેઘર બનેલા ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવાને બદલે મનપાનું તંત્ર ખોટા વાયદાઓ કરી પાછળથી ફરી જાય છે. સયાજીબાગ પાછળ કલ્યાણનગર ઝૂંપડપટ્ટી હટાવ્યા બાદ સ્થળ ઉપર આવાસો આપવાના અને આવાસ ન આપે ત્યાં સુધી રૂપિયા ૩ હજાર ભાડુ ચુકવવાનો લેખિત કરાર કરી આપ્યો હોવા છતાં મ્યુ. કમિશ્નર વિનોદ રાવ ફરી ગયા છે. આજે પણ અસરગ્રસ્તો હેરાન પરેશાન છે. બાપોદના અસરગ્રસ્તોએ સ્થાનિક કોર્પોરેટર સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ ફરકતું સુદ્ધાં ન હતું તેમને ન્યાય અપાવી શક્યા ન હતા. આજે કોર્પોરેટર હસમુખ પટેલ અડફેટે ચડી જતાં અસરગ્રસ્તોએ ગુસ્સો ઠાલવ્યો હતો. આ ઘટનાનો વીડિયો રાષ્ટ્રીય ટીવી ચેનલો ઉપર ચમક્યો છે.
ભાજપથી લોકો કંટાળ્યા છે, ધીરજ ગુમાવી ચૂક્યા છે…
વડોદરાના ભાજપના કોર્પોરેટર હસમુખ પટેલને જનતાએ ઝાડ સાથે બાંધી ઢોર માર મારવાના બનેલા બનાવથી ભાજપમાં હડકમ્પ મચી જવા પામ્યો છે. સવાલ એ છે કે જનતા વિખરી કેમ.. જનતામાં આટલો આક્રોશ કેમ.. આ વાત સાબિત કરે છે કે ભાજપથી લોકો કંટાળ્યા છે. ધીરજ ગુમાવી ચૂક્યા છે તેમ સ્થાનિક રહીશ મીનાબેન મકવાણાએ જણાવ્યું હતું.
Recent Comments