(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
વડોદરા શહેરના પાણીગેટ બાવામાનપુરામાં આવેલ મોહંમદી પાર્કમાં બહારગામ ગયેલા પરિવારનાં બંધ મકાનને મોડીરાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરમાંથી ૨૦ તોલા સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
બાવામાનપુરા મોહંમદી પાર્કમાં રહેતા અને સરદાર એસ્ટેટમાં રબ્બરની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાની કંપની ધરાવતા નદીમભાઇ ફારૂકી મુંબઇ સામાજિક પ્રસંગમાં ગયા હતા. જ્યાં તેમના પત્ની શરીફાબહેન બાળકો સાથે નવાપુરામાં પિયરમાં ગયા હતા. રાત્રે બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળુ તોડી ઘરની તિજોરીમાંથી ૨૦ તોલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સવારે ઘરે પરત ફરેલા શરીફાબેનને ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થતા તેઓ ચોકી ઉઠયા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ પાણીગેટ પોલીસને કરાતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ચોરીના બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનનીય છે કે, છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં આ ચોથી ચોરી હોવાનું જાણવા મળ્યું હતું.