(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
વડોદરા શહેરમાં ૧૨મી તારીખે યોજાનારી હાર્દિક પટેલની સભાના પોસ્ટરોને કોર્પોરેશન દ્વારા ઉતારી લેવાની કામગીરી કરાતા વિવાદ થયો છે. છાણી ગામમાં પાટીદારોએ પોસ્ટરો ઉતારવા આવેલી કોર્પોરેશનને રોકી તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ૧૨મી તારીખે વડોદરામાં હાર્દીક પટેલની સભા યોજાવાની છે. જે અંગે શહેરમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા આ બેનરોને ઉતારી લેવાની કામગીરી કરવામાં આવતા ભારે વિવાદ થયો છે. કોર્પોરેશન દ્વારા છાણી ગામમાં સરકાર ચોક પાસે લાગેલા પોસ્ટરને ઉતારવાની કામગીરી કરવામાં આવતા પાટીદારોએ તેનો વિરોધ કર્યો હતો. પાટીદારોના જણાવ્યા અનુસાર ગત શુક્રવારે શહેરમાં પોસ્ટરો લગાવવા માટેની પરવાનગી માંગવામાં આવી છે. ત્યારે પરવાનગી આપવાની જગ્યાએ પાલિકાએ બેનરો ઉતારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે તેઓએ વિરોધ દર્શાવ્યો હતો. પાટીદારોનો વિરોધ જોઇ પાલિકાની ટીમ વીલા મોઢે સ્થળ પર પાછી ફરી હતી. ઉલ્લેખનીય છે કે ૧૨મી તારીખે વડોદરામાં હાર્દીકની સભા યોજાવાની છે તેવામાં તંત્ર દ્વારા બેનરો લગાવવાની પરવાનગી આપવાના બદલે બેનર ઉતારવાની કામગીરી કરાતા પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.