(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૧
શહેરનાં અત્યંત સંવેદનશીલ ગણાતા અને ગણેશોત્સવ દરમિયાન સાતમા દિવસે વિસર્જીત કરાતા પાણીગેટ જુનીગઢીના શ્રીજીનું આજે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે સાતમા દિવસે શાંતિપુર્ણ રીતે વિસર્જન થયુ હતું. શાંતિપુર્ણ રીતે શ્રીજી સવારી નિકળી જતાં પોલીસે પણરાહતનો દમ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, પાણીગેટ જુનીગઢીનાં શ્રીજીની સાતમા દિવસે વિસર્જન થાય છે. અગાઉ જુનીગઢી ની શ્રીજીની સવારી સમયે કોમી તોફાનોના બનાવો બન્યા હોય પોલીસ દ્વારા જુનીગઢીનાં શ્રીજીના સમગ્ર રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો. સાંજે નીકળેલી શ્રીજીની સવારી પાણી દરવાજા, મદાર માર્કેટ, સીટી પોલીસમથક તથા જમનાબાઈ હોસ્પીટલ, રાજપુરાની પોળ વિસ્તારોમાંથી શાંતિપુર્ણ રીતે પસાર થઈ જતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. સ્થાનિક હિન્દુ મુસ્લિમોએ પણપોલીસને શાંતિપુર્ણ રીતે વિસર્જન થાય તે માટે સહકાર આપ્યો હતો. ગણેશ ચતુર્થી અગાઉ પાણીગેટ અને માંડવી રોડ પર શ્રીજીની સવારી વખતે પથ્થરમારા અને આગચંપીના બનાવો બન્યા હતાં. જેથી અગમચેતીનાં ભાગરૂપે આજે પોલીસે શાંતિપુર્ણ રીતે આ સવારી પસાર થાય તે માટે મુસ્લિમ વિસ્તારોના નાકાઓ બંધ કરી દઈ પતરાઓ મારી સીલ કરી દીધા હતાં. પોલીસે શાંતિપુર્ણ માહોલમાં શ્રીજીની સવારી પસાર થાય માટે ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખી હતી.
આ અગાઉ જુનીગઢીનાં શ્રીજીનું વિસ્તારમાં આવેલ જુનીગઢીની મસ્તાનબાવા દરગાહનાં ગાદીનશીન હાજી દસ્તગીર શેખ (ભોલુ બાપુ) તેમજ દરગાહ કમિટીનાં સભ્યો ચાંદભાઈ, ખલીલભાઈ, પપ્પુભાઈ મીશ્રા, સોએબભાઈ શેખ, હારૂનભાઈ શેખ, કાદરી અલ્તાફભાઈ વિગેરએ જુનીગઢી ગણેશ મંડળના સભ્યોનું શાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવી સન્માન કરી કોમી એકતાનું ઉદાહરણ પુરુ પાડ્યુ હતું. સ્વાગત કર્યુ ંહતું. આજે નિકળેલી જુનીગઢીના શ્રીજીની સવારીમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં.
જુનીગઢીનાં શ્રીજી સિવાય વિવિધ વિસ્તારનાં નાના મોટા મળી ૨૦૦ જેટલા શ્રીજીની સવારીઓ શહેરનાં માર્ગો ઉપર નિકળી હતી.