(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.ર૫
શહેરના ગોત્રી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપરથી કેશ કલેકશન કંપનીની વાનમાંથી રૂા. રર લાખ પ૦ હજાર રૂપિયા ભરેલો થેલો બાઈક ઉપર ધસી આવેલા બે શખ્સો લઈ ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી કેમેરા સહિત વેન લઈને પંપ ઉપર આવેલા કેશીયર તેમજ ડ્રાઈવરની સઘન પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, સિક્યોર બ્લુ કંપની શહેરમાં આવેલા પેટ્રોલ પંપો ઉપરથી કેશ કલેકશન કરી બેન્કમાં જમા કરાવવાનું કામ કરે છે. આજે આ કંપનીની કેશ કલેકશન વાન ગોત્રી ખાતે આવેલા શેલ કંપનીના પેટ્રોલ પંપ ઉપર રોકડ રકમ લેવા ગઈ હતી. અન્ય પેટ્રોલ પંપ ઉપરથી ભેગી કરેલી રોકડ રકમનો થેલો વાનમાં જ મૂકવામાં આવેલો.
કેશ કલેકશન વાનમાં સંજય મકવાણા (રહે. અમદાવાદ) કેશીયર તરીકે નોકરી કરે છે. જ્યારે વાનના ડ્રાઈવર તરીકે વિનોદ બારિયા (રહે.અમદાવાદ) કામ કરે છે. શહેરના ત્રણ જેટલા પંપો ઉપરથી રૂા.રપ લાખ જેટલી કેશ ભેગી કરી ગોત્રી ખાતેના પેટ્રોલ પંપ ઉપર કેશ લેવા વાન પહોંચી હતી. કેશીયર સંજય મકવાણા શેલ કંપનીના પેટ્રોલ પંપની ઓફિસમાં રોકડ લેવા ગયો હતો. જ્યારે વાનનો ડ્રાઈવર વિનોદ બારિયા પેટ્રોલ પંપ ઉપર વાનમાં હવા ભરાવી રહ્યો હતો.
બરાબર આ દરમ્યાન એક બાઈક ઉપર બે શખ્સો ધસી આવ્યા હતા અને કેશ કલેકશન વાનની ખુલ્લી બારીમાંથી રૂા.રર લાખ પ૦ હજાર રોકડ ભરેલો થેલો લઈ ફરાર થઈ રહ્યા હતા. જ્યારે રૂા. ૪ લાખ પ૦ હજાર રોકડા ભરેલો થેલો બાજુમાં જ પડેલો રહી ગયો હતો.
આ કંપનીના કેશ કલેકશન વાનમાં હંમેશા ગનમેન સાથે હોય છે. પરંતુ આજે ગનમાં સાથે હતો નહીં આથી પોલીસને કેશીયર સંજય મકવાણા અને ડ્રાઈવર વિનોદ બારિયા ઉપર શંકા છે. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.
ઘટનાને પગલે એસઓજીના ઈન્સ. એચ.એમ.વ્યાસ સહિત તેમના સ્ટાફના સૈયદ કમાલુદ્દીન ઘટના સ્થળે પહોંચી કેશીયર તથા ડ્રાઈવરની સઘન પૂછપરછ હાથ ધરી છે. ઉપરાંત બંનેના મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ કઢાવી તપાસ શરૂ કરી છે. શેલ કંપનીના પેટ્રોલ પંપ ઉપર લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાઈક ઉપર ધસી આવેલા બાઈક સવારોની ઈમેજ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ગોત્રી પોલીસે ચીલઝડપનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.