(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૩
રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાપતિ સમાજને પરચૂરણ સાથે સરખાવતા સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આજે સમા વિસ્તાર સ્થિત અભિલાશા ચાર રસ્તે આગેવાનોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પૂતળાને ભડકે બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. માફી નહીં માંગે ત્યાં સુધી સમગ્ર રાજ્યમાં વિરોધ ચાલુ રાખવાની ધમકી ઉચ્ચારી છે. વિગત એવી છે કે તાજેતરમાં પ્રજાપતિ સમાજના અગ્રણી તેમજ ગાંધીવાદી ડાહ્યાભાઈ પ્રજાપતિ સમાજના અગ્રણીઓને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા ગયા હતા અને પ્રજાપતિ સમાજમાંથી ટિકિટ આપવા માગણી કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ જવાબ આપેલો કે પ્રજાપતિ સમાજ તો પરચૂરણ છે. આવા પરચૂરણ સમાજને ટિકિટ ન અપાય આને લીધે સમગ્ર પ્રજાપતિ સમાજમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આજે સમા અભિલાશા ચાર રસ્તે સંખ્યાબંધ કાર્યકરો, આગેવાનો ભેગા થયા હતા. તેમણે વિજય રૂપાણી વિરૂધ્ધમાં સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું. ચૂંટણી ટાણે એક પછી એક જ્ઞાતિ દ્વારા થઈ રહેલા વિરોધને કારણે ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ સર્જાયો છે. પ્રજાપતિ સમાજના આગેવાનોએ વિજય રૂપાણી જ્યાં સુધી જાહેરમાં માફી ન માગે ત્યાં સુધી સમગ્ર રાજ્યના તેમની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવશે તેમ સખત શબ્દોમાં જણાવ્યું છે.