વડોદરા,તા.૨
ગુજરાત માટે એક સારી ખુશખબર છે. ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાનાર વન-ડે મેચ વડોદરમાં શિફ્ટ થઈ શકે છે. હાલમાં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રાજકોટમાં રમાનારી મેચ અંતર્ગત ખેલાડીઓ ગુજરાતમાં જ છે. હવે વડોદારાના ફાળે વન ડે મેચ આવે તો ગુજરાતના ક્રિકેટ રસીકો માટે આ એક સારા સમાચાર છે. ઇન્દોર ખાતે ૨૪મી ઓક્ટોબરના રોજ ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાનાર વન-ડે મેચના કોમ્પ્લિમેન્ટરી પાસના મુદ્દે સીઓએ સાથે વિવાદ થતાં મેચનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને ઇન્દોરમાં મેચ યોજવાનું પડતું મૂકયું છે, જેના કારણે આ વન-ડે મેચ વડોદરામાં શિફ્ટ કરાય તેવી પ્રબળ સંભાવના છે.
સુપ્રીમ કોર્ટે નિયુક્ત કરેલ સીઓએ (કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન) અને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન વચ્ચે કોમ્પ્લિમેન્ટરી પાસની ફાળવણીના મુદ્દે વિખવાદ થયો હતો. જેથી મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને મેચનું યજમાનપદ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. આ અંગે બીસીસીઆઇ અને સીઓએને મેઇલ કરી જાણ પણ કરી દેવાઈ છે. આ મેચને ક્યાં રમાડવી તે અંગે બીસીસીઆઇ દ્વારા હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ આ મેચને વડોદરા શિફટ કરવાનાં ચક્રો ગતિમાન થયાં હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ દરમિયાન પ્રણવ અમીનના નેતૃત્વમાં બીસીએની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મહિલા વન ડે મેચો અને ૨૯ અને ૩૦મી સપ્ટેમ્બરના રોજ બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન-વેસ્ટ ઇંડિઝ વચ્ચેની વોર્મઅપ મેચનું સફળ આયોજન કર્યું હતું. બીસીએના પારદર્શક આયોજનથી બીસીસીઆઇ પણ રાજી હોવાનું મનાઈ રહ્યું છે.