(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૩
વર્ષ ૨૦૦૦-૦૧ દરમિયાન શહેરમાં પાણીની અછતની પરિસ્થીતિને ધ્યાને લઇ મહી નદીના કાંઠે ફેંચવેલ ઉપર તથા નદી પટમાં કુલ ૫૬ ટયુબવેલ બનાવવા અંગે જીઓલોજીસ્ટ ડો.પી.પી. પટેલ દ્વારા સલાહકાર તરીકે કરેલ કામગીરીનું રૂા.૨,૩૫,૦૦૦ ટેક્ષ સહિત ચુંકવણું કરવા મંજુરી આપવાની દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજુ કરવામાં આવી છે. ત્યારે ૧૮ વર્ષ બાદ ૫૬ ટયુબવેલનું પ્રકરણ અંગેનું કામ આવતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વર્ષ ૨૦૦૦-૦૧ દરમિયાન શહેરમાં પાણીની અછતની પરિસ્થીતિને ધ્યાને લઇ મહી નદીના કાઠે ફેંચવેલ ઉપર અપુરતા વરસાદના કારણે સર્જાયેલી પાણીની અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચારેય કુવાના સબ-સ્ટેશનનાં વિસ્તારમાં કુલ ૩૮ નંગ ટયુબવેલ તેમજ નદી પટમાં કુલ ૧૮ નંગ ટયુબવેલ બનાવેલા હતા. નદીના પટમાં ફાજલપુર ખાતે બનાવેલ ૮ નંગ ટયુબવેલોનું પાણી લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલતાં કુલ ૬ નંગ ટયુબવેલોનું પાણી અનફીટ આવેલું હતું. આ અંગે સલાહકાર ડો. પી.પી. પટેલનો સંપર્ક કરી તેઓની સેવાઓ મેળવવામાં આવેલ હતી. તે સંદર્ભે તેઓએ તેમનો વિગતવાર રિપોર્ટ ખાતામાં સુપ્રત કરેલ હતો. આ ઉપરાંત અત્રેના પાણી પુરવઠા વિભાગ દ્વારા તથા તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા યોજવામાં આવેલ મિટીંગોમાં હાજર રહીને સલાહકાર તરીકેનું સુચનો-સેવાઓ આપેલ હતી.
ડો.પી.પી. પટેલ દ્વારા ઉપરોકત સેવાઓ અંગે તા.૧૫-૪-૨૦૦૪, તા.૨૭-૧૦-૨૦૦૪ તથા તા.૧૭-૩-૨૦૦૫ થી તત્કાલિન મ્યુનિસિપલ કમિશ્નરને બીલના ચુકવણા અંગે પત્રથી વિનંતી કરવામાં આવેલ હતી. તેમજ તેઓ દ્વારા તા.૧૬-૯-૨૦૦૯ના પત્રથી રૂા.૨,૩૫,૦૦૦, વ્યાજ સહિત ચુકવણું મળવા અંગેની માંગણી કરેલ છે.
તેઓ દ્વારા રૂા.૨,૩૫,૦૦૦ નું બીલ ખાતામાં રજુ કર્યા હોય તે અંગેના અત્રેના રેકોર્ડ આધારીત કોઇપણ પ્રકારના પુરાવા અઢળ થતા નથી. પરંતુ ફાઇલના રેકોર્ડ મુજબ વિવિધ તબક્કે તેઓએ સલાહકાર તરીકેની સેવાઓ પુરી પાડેલ છે. તેવો રેકોર્ડ ઉપલબ્ધ છે. જેનું ચુકવણું કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં રજુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.વડોદરા કોર્પોરેશનમાં બહુ ચગેલા ૫૬ ટયુબવેલ પ્રકરણમાં દોઢ ડઝન જેટલા કર્મચારીઓ-અધિકારીઓ વિરુદ્ધ ગેરરીતિ અને આર્થિક નાણાંની નુકશાની મામલે આક્ષેપ થયા હતા. જે બાદ તેમની સામે ખાતાકીય તપાસ થઇ હતી જેમાં સંતોષ ન હોઇ એક વ્યકિતનું તપાસ પંચ નીમવામાં આવ્યું હતું. જેણે તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ પર પડદો પડી ગયો હતો. જે બાદ વર્ષો પછી આ કામના કન્સ્ટલ્ટન્ટને નાણાં ચુકવાનું કામ આવતા વર્ષોથી ખોટી ફાઇલો ખંખેરીને તેને શોધવા કેટલાક લોકો કામે લાગ્યા હોવાનું ચર્ચાય છે.