(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
આખા શહેરમાં ડ્રગ્સનાં રવાડે ચઢેલા યુવાનધનને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ગુરૂવારની મોડીરાત્રે શહેરનાં વિવિધ ૧૦ સ્થળોએ દરોડા પાડી શંકાસ્પદ ૫૬ વ્યકિતઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઇમ બ્રાંચનાં ડી.સી.પી. જયદિપસિંહ જાડેજાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ડ્રગ્સનાં રવાડે ચઢી ગયેલા યુવાધનને અટકાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોટની સુચના મુજબ શહેર પોલીસ તંત્રની વિવિધ ૧૦ ટીમો બનાવવામાં આવી હતી. ડ્રગ્સનો નશો કરતાં હોય તેવા ૧૦ સ્થળો નક્કી કરીને રાત્રીનાં સમયે વિશ્વામિત્રી બ્રિજ નીચે, સુભાનપુરા સંતોષીનગર વાસણા રોડ, કલ્યાણ પાર્ટીપ્લોટની બાજુમાં, મનીષા ચોકડી, હોન્ડા શો રૂમની બાજુમાં, હનુમાન ટેકરી, બીસ્ટ એન્ડ બાઇટ્‌સ કૈફે, ઇલોરાપાર્ક, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કાફૈ ફતેગંજ, સનફાર્મા રોડ, અકોટા ડી-માર્ટની બાજુમાં સહિત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન ૫૬ વ્યકિતઓને ડ્રગ્સનાં શંકાસ્પદ નશામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓને ક્રાઇમ બ્રાંચની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓના વાલીઓને બોલાવી તેમનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું હતું.