(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪
આકાશને આંબી રહેલા પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારાનાં વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીનાં રાક્ષસ અને ડાયનાસોર બનાવી સાઇકલ, પગરીક્ષા, ઊંટગાડી સાથે વડોદરાના માર્ગો પર રેલી કાઢી પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.
શહેરના પ્રતાપનગર ખાતેની શરૂ થયેલી આ રેલીમાં ચોખંડી, માંડવી, ન્યાયમંદિર થઇ ગાંધીનગર ગૃહ પહોંચી પૂર્ણ થઇ હતી. રેલીમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નરેન્દ્ર રાવત સહિતનાં અગ્રણીઓ સાયકલ, પગરીક્ષા, ઊંટગાડી પર સવાર થઇ નીકળ્યા હતા. સાથાજે ભાજપની સરકાર દ્વારા કરાયેલા પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે ભારે આક્રોશ વ્યકત કર્યો હતો.
કોંગી કાર્યકરો દ્વારા પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારા સમા મોંઘવારીનાં રાક્ષસ તથા ડાયનાસોટનાં પૂતળાએ રેલીમાં આકર્ષણ જમાવ્યું હતું. કોંગી કાર્યકરોએ બેનરો, પ્લેકાર્ડ સાથે ભાજપની કેન્દ્ર સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું. રેલીમાં કોંગી અગ્રણીઓ, ઋત્વીજ જોષી, શૈલેષ અમીન સહિતનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયાં હતા.