(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
સાતમા પગાર પંચ સહિતની વિવિધ પડતર માંગણીઓને લઇને વડોદરા એસ.ટી. નિગમનાં ૧૮૦૦ જેટલા કર્મચારીઓએ આજે બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી હતી. બસ ડેપો ખાતે એસ.ટી. કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદરા બસ ડેપો ખાતે આજે એસ.ટી. નિગમનાં કર્મચારીઓ એકઠા થયા હતા. તેમજ પોતાની પડતર માંગણીઓ સાથે ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બસ ડેપો ખાતે કર્મચારીઓ જમીન પર બેસી ગયા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ બસ પર ચઢીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં પણ દેખાવો કર્યા હતા. તેમજ જ્યાં સુધી તેમની તમામ માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. એસ.ટી.ના કર્મચારીઓને પગલે શહેર-જિલ્લામાં આજે બીજા દિવસે પણ મુસાફરો અટવાઇ પડ્યા હતા.