(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૪
આરટીઇ હેઠળ અપાતા પ્રવેશમાં શહેરની કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને આરટીઇ હેઠળ પ્રવેશ નહીં આપી વાલીઓને હેરાનગતી કરતી શાળાઓ સામે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા આંદોલન કરી જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાયા બાદ શિક્ષણાધિકારી દ્વારા આરટીઇ હેઠળ તમામ વિદ્યાર્થીઓને જે-તે શાળામાં પ્રવેશ આપવાની બાંહેધરી સાથે આવું ન કરનાર શાળાઓ સામે કાર્યવાહી કરવાનું જણાવતાં વાલીઓમાં ખુશી જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે, શહેરની કેટલીક શાળાઓ દ્વારા આરટીઇ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આનાકાની કરી વાલીઓને ધક્કા ખવડાવી હેરાનગતી કરવામાં આવી હતી. વાલીઓની હેરાનગતીનાં પગલે વડોદરા યુથ કોંગ્રેસનાં પ્રમુખ અશ્ફાક મલેક તથા બશીર પટેલની આગેવાનીમાં વાલીઓ દ્વારા પ્રવેશ નહીં આપનાર શાળાઓ સામે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસ તેમજ વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. રજૂઆતનાં પગલે શિક્ષણાધિકારીએ આરટીઇ હેઠળ આવતા તમામ વિદ્યાર્થીઓને જે-તે શાળામાં જ પ્રવેશ આપવાની ખાતરી આપી શુક્રવારથી શિક્ષણાધિકારી કચેરીની ટીમ શહેરની તમામ શાળાઓમાં સવારે ૮ થી બપોરે ૧ વાગ્યા રહી આ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે તેમ પણ ખાતરી આપી હતી. શિક્ષણાધિકારી તરફથી મળેલા પ્રતિસાદનાં પગલે વાલીઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.