(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વડોદરા-વારાણસી-વડોદરા વચ્ચેની લાંબા અંતરની નવીન મહામના એક્સપ્રેસ ટ્રેનને વારાણસી રેલવે સ્ટેશન ખાતેથી વીડિયો લિન્ક દ્વારા પ્રસ્થાન કરાવ્યું, તેની સાથે જ વડોદરા રેલવે સ્ટેશનથી આ ગાડીના પ્રથમ પ્રવાસનો રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. સ્વતંત્રતાના સાત દાયકા પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના શાસનકાળમાં વડોદરાથી શરૂ થતી પ્રથમ લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેન સેવાના પ્રારંભનો તેમણે આનંદ વ્યક્ત કરવાની સાથે જણાવ્યુ કે, પ્રધાનમંત્રીના હૃદયમાં વડોદરા માટે ખાસ લગાવે છે અને જાગૃત સાંસદ રંજનબહેન ભટ્ટની ખાસ લાગણી સભર માગણીને અનુલક્ષીને ભારતીય રેલવે એ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં રૂપાંતરણ માટેના જે રેલવે સ્ટેશન પસંદ કર્યા છે. તેમાં વડોદરાનું નામ ઉમેરવાની હું જાહેરાત કરૂ છું. રેલવેના અંદાજપત્રમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત માટેની ફાળવણી રૂા.૬૦૦ કરોડથી વધીને રૂા.૪૦૦૦ કરોડ થઇ છે એનો ખાસ ઉલ્લેખ કરતાં રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, રેલવેનું રોકાણ ગુજરાતમાં ઝડપથી વધી રહૃાુ છે.નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ કે, મહામના એ માત્ર ભૌતિક રેલગાડી નથી પણ વડોદરાના વારાણસી સાથેના ભાવનાત્મક જોડાણને મજબૂત કરતી રેલ સેવા છે. આ પ્રસંગે મેયર ભરતભાઇ ડાંગર, ધારાસભ્ય જીતુભાઇ સુખડિયા, સૌરભભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ, મનીષાબેન વકીલ, ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, નારણભાઇ પટેલ ઉપસ્થિત રહૃાા હતા. ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજે આ રેલ સુવિધા માટે રેલવે મંત્રીનું સન્માન કર્યું હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ સહુને આવકાર્યા હતા.