(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
ગાયકવાડી શાસન દરમ્યાન ટોપોગ્રાફી એટલે કે ભૌગોલિકતાને ધ્યાનમાં રાખીને વડોદરાની નગરરચના કરાઇ હતી. ૧૮૮૬ની સાલમાં વડોદરા શહેરમાં ૩૦ જેટલા તળાવો અને ૧૫૦ નાના-મોટા નાળા હતા. જ્યાંથી પૂર અને વરસાદી પાણીનો નિકાલ થતો હતો. આ ઉપરાંત વિશ્વામિત્રીનાં કાંઠે મોટા કોતરો હતા. જે પૂરનાં ધસમસતા પાણી સામે કુદરતી રક્ષણ આપતા હતા. પરંતુ અત્યારે આમાના ૧૩ તળાવો અને ૮૦થી વધુ નાળા પૂરાઇ ગયા છે. આ તળાવો અને નાળા પર પૂર્ણ કરીને ક્યાંક તો રસ્તા બનાવી દેવાયા છે. ક્યાં તો ઇમારતો ઊભી કરી દેવાઇ છે. વડોદરાનાં જાણીતા આર્કિટેકટ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજ (ઇનટેક)નાં સહકન્વીનર સંજીવ જોશીએ ૨૦૦૮ની સાલમાં રજૂ કરેલા અહેવાલમાં આ અંગે ઘટસ્ફોટ કર્યો હતો.ગાયકવાડી શાસનમાં પૂર નિયંત્રણ તેમજ ભૂર્ગભજળની સપાટીને જાળવી રાખવા તળાવો અને નાળા બનાવાયા હતા. તે સમયે શહેરનાં પૂર્વ ભાગનાં પાંચ તળાવો વારસિયા, મોહમ્મદ તળાવ, સરસિયા તળાવ, અજબ-ગજબ અને રાજા-રાણી તળાવને ઇન્ટલિંક કરાયા હતા અને ગુરૂત્વાકર્ષણબળથી ઉત્તર-દક્ષિણની રચનાને લીધે પાણી એક તળાવમાંથી બીજા તળાવમાં આપોઆપ વહી જતું હતું. તદ્‌ઉપરાંત ભૂર્ગભી ડકટને પગલે સરસિયા તળાવમાંથી સુરસાગરમાં પાણી વહી જતું હતું.
ઉઘાડ નીકળતા પેટ્રોલપંપ પર લાઈનો લાગી
વડોદરા, તા.૨
શહેરમાં પૂરની પરિસ્થિતિને પગલે જનજીવન ખોરવાઇ ગયું છે. પૂરને કારણે શહેરનાં મોટાભાગનાં પેટ્રોલપંપ બંધ હતા. જો કે, આજે ઉઘાડ નિકળતા કેટલાક પેટ્રોલપંપ ખૂલતા લોકોએ પેટ્રોલ પૂરાવવા ભારે ભીડ લગાવી હતી.
પૂરને કારણે પેટ્રોલ પંપનાં કર્મચારીઓ પહોંચી ન શકતા છેલ્લાં બે દિવસથી પેટ્રોલ પંપ બંધ હાલતમાં હતા. કેટલાક પેટ્રોલ પંપ પર લાઇટ ગુલ થઇ ગઇ હતી. કેટલાક પેટ્રોલ પંપ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હોવાથી બંધ હતા. બે દિવસ બાદ આજે સવારે પૂરનાં પાણી ઉતરવાનાં શરૂ થતા પેટ્રોલ પંપ ખૂલ્યા હતા. જેથી વાહન ચાલકો પેટ્રોલ-ડીઝલ પૂરાવવા માટે લાંબી લાઇનો લગાવી હતી.
પૂરના લીધે વાહનચાલકો અને વેપારીઓને નુકસાન
વડોદરા, તા.૨
શહેરમાં પડેલા અનરાધાર વરસાદને પગલે સમગ્ર વડોદરા શહેર જળબંબાકાર થઇ જતાં શહેરનાં વેપાર-ધંધાને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લોકો રસ્તા પર વાહનો છોડી ઘરે રવાના થયા હતા. શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં તેમજ વિશ્વામિત્રી નદીનાં કાંઠાના વિસ્તારોમાં એક માળ સુધી પાણી ભરાઇ જવાનાં હોવાનાં કારણે લગભગ ૩૦૦૦ કાર અને ૧૫,૦૦૦ પાણીમાં અડધા અને કેટલાક પૂરા ડૂબી જવાથી ભારે નુકસાન થયું છે. એક તરફ વેપારીઓ આર્થિક મંદીનો માર સહન કરી રહ્યાં છે. તો બીજી બાજુ પૂરની પરિસ્થિતિને પગલે વાહનો અને દુકાનોમાં પાણી ભરાઇ જતાં વેપારીઓ અને શહેરીજનોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.
મગરો કાંઠા વિસ્તારોની સોસાયટીમાં ઘૂસી ગયા
વડોદરા, તા.૨
શહેરમાં પૂરની પરિસ્થિતિ ઓસરતા મગરો કાંઠાના વિસ્તારોની સોસાયટીઓમાં ઘૂસી ગયા છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. શહેરમાં અત્યાર સુધીમાં પાંચ જેટલા મગરો પકડાયા છે. શહેરનાં લાલબાગ બ્રિજ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં ૪ મગર ઘૂસી ગયા હતા. કમાટીબાગમાં પણ પાણી ભરાયેલા છે. જેમાં આજે સવારે એક મગર જોવા મળ્યો હતો. બીજી તરફ નવાયાર્ડ વિસ્તારમાં ઝૂંપડાની છત ઉપર મગર જોવા મળતા ભારે ફફડાટ ફેલાયો હતો. જીવદયા પ્રેમીઓની ટીમે મગરો રેસ્કયુ કર્યું હતું. સયાજીગંજ વિસ્તારમાં એમ.એસ. યુનિવર્સિટી પાસે મુખ્ય રસ્તા પર પાણીમાં ૧૦૦ કિલોનો મહાકાય કાચબો પણ તણાઇ આવ્યો હતો એને પણ રેસક્યુ કરવામાં આવ્યો હતો.
દૂધ કેન્દ્રો પર પોલીસ તૈનાત કરાઈ
વડોદરા, તા.૨
શહેરમાં પૂરનાં પાણી વચ્ચે તકસાધુઓ છેલ્લાં બે દિવસથી દૂધના કાળા બજાર કરી રહ્યાં હતા. જેને રોકવા માટે આજે શહેરના દૂધ કેન્દ્રો પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. ગુરૂવારની સરખામણીમાં આજે વધુ દૂધ કેન્દ્રો પર દૂધનું વેચાણ કરાયું હતું. છેલ્લાં ૨ દિવસથી દૂધ માટે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. પૂરનો લાભ લઇ કેટલાક વેપારીઓએ ૧૦૦થી ૨૦૦ રૂપિયે લીટરનો ભાવ લીધો હતો. આજે ઉઘાડ નિકળતા અને પૂરનું પાણી ઓસરતા દૂધ કેન્દ્રો પર તમામને દૂધ મળે અને અફડા-તફડી ન મચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસના વાહનોમાં પાણીના કેરબા ભરી લોકોને પહોંચાડાયા
વડોદરા, તા.૨
શહેરમાં વરસાદ અને વિશ્વામિત્રીમાં આવેલા પૂરને કારણે ભારે તારાજી સર્જાઇ હતી. આજુબાજુ પાણી હોવા છતાં પીવાના પાણી માટે લોકોએ વલખાં મારવા પડ્યા હતા. આજે પાણી ધીરે-ધીરે ઓસરતા લોકોને પીવાનું પાણી પહોંચાડવા શહેર પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનાં વાહનોમાં પોલીસે પાણીનાં કારબા ભરીને લોકોને પહોંચતા કર્યા હતા. વડોદરાનાં છેવાડાનાં સોમા તળાવ, વડસર, સમા-સાવલી રોડ, મુંજમહુડા જેવા અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોય જેથી આ વિસ્તારનાં રહીશોને પીવાનું પાણી પોલીસ જવાનોએ પહોંચાડ્યું હતું. જ્યારે શહેરમાં વરસાદ અને વિશ્વામિત્રીનાં પાણીએ બે દિવસ મચાવેલી ભારે તબાહી બાદ હવે ધીરે-ધીરે પાણી ઓસરી રહ્યું છે. આ પાણીમાં ડૂબી ગયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો રીપેરીંગની મોટી સમસ્યા ઊભી થઇ છે. આજે પાણી ઓછા થયા બાદ ગેરેજ ચાલતોએ પોતાના ગેરેજ ખોલ્યા હતા. સવારથી જ વાહનો રીપેર કરાવવા માટે લોકોનાં ટોળા ગેરેજ ઉપર જોવા મળ્યા હતા. વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલી ગણેશનગર ઝૂંપડપટ્ટીમાં મગરનું રેસ્ક્યુ કરવા ગયેલા વન વિભાગનાં કર્મચારીઓ ઉપર મગરે હુમલો કર્યો હતો. જેમાં એક કર્મચારી પાણીમાં ફંગોળાઇ ગયો હતો. જો કે, મગરનું મોં બાંધેલું હોવાથી રેસ્ક્યુ ટીમનાં સભ્યોનું મગરનાં હુમલાથી આબાદ બચાવ થયો હતો.