(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૫,
શહેર-જિલ્લામાં ભારે ઇતજાર બાદ બપોરે એકાએક ધોધમાર વરસાદ પડયો હતો. હવામાનમાં અચાનક પલ્ટો આવતા આકાશમાં કાળા દિબાંગ વાદળોની ફોજ ઉમટી પડી હતી. ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતા શહેરનાં નિચાણવાળા માર્ગો પર ઘુંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે વાહનચાલકો અટવાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં આવેલ ઘરો અને દુકાનોમાં પાણી પણ ઘુસી ગયા હતા. શહેરમાં સતત ત્રણ કલાક ઉપરાંત પડેલા ભારે વરસાદને પગલે શાળાઓ છોડી દેવામાં આવી હતી. વાલીઓ પોતાના બાળકોને લેવા ઉમટી પડયા હતા.
હવામાન ખાતા દ્વારા ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહીને પગલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. વરસાદી વાદળોની ઉમટેલી ફોજને કારણે ભરબપોરે સાંજ જેવું વાતાવરણ થઇ જવા પામ્યું હતું. અને ગણતરીનાં મિનીટો ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ શરૂ થતાજ ગરમી અને બાફથી કંટાળી ગયેલા શહેરીજનો ખુશખુશાલ થઇ ગયા હતા. સતત ત્રણ કલાક વરસેલા વરસાદને કારણે રાવપુરા, નાગરવાડા, કાલુપુરા સુધરાઇ સ્ટોર પાસે, દાંડીયાબજાર, તાંદલજા રોડ, વાઘોડીયા રોડ, માંજલપુર સહિતનાં વિસ્તારોનાં માર્ગો પર ઘુંટણ સમા પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ભુવા પડયા હતા.
ચાર ઇંચ જેટલા વરસેલા વરસાદે સેવાસદનનાં વહીવટી તંત્રની પ્રિમોન્સુનની કામગીરી પોલ ખોલી નાખી હતી. કડાકા ભડાકા સાથે તુટી પડેલ વરસાદને કારણે અનેક સ્થળોએ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. નિચાણવાળા વિસ્તારોમાં આવેલ સોસાયટીઓનાં ઘરોમાં અને કેટલાક સ્થળે, દુકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ઠેર-ઠેર ભરાયેલા પાણીને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ચોમાસાનાં પ્રથમ વરસાદને શહેરીજનોએ મનમુકીને માણ્યો હતો. નાના બાળકોથી મોટા લોકો વરસાદને માણવા માટે માર્ગો પર નિકળી પડયા હતા. ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ભારે વરસાદની અસર વેપાર-ધંધા ઉપર પણ જોવા મળી હતી. જોકે ચ્હા-ભજીયા અને સેવઉસળ સહિત ગરમ નાસ્તાની લારીઓ ઉપર તડાકો થઇ ગયો હતો. વરસાદને પગલે તાડપત્રી અને રેઇનકોટનાં વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ જામી હતી.
શહેરની સાથે જિલ્લાનાં ડભોઇ, સાવલી, પાદરા, વાઘોડીયા સહિત તમામ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ પડયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. મેઘરાજાની ધમાકેદાર પ્રથમ એન્ટ્રી વધામણા કર્યા હતા.
ફલ્ડ કંટ્રોલમાંથી મળતી માહિતી અનુસાર આજરોજ વડોદરામાં ૧૨૦ મીમી., પાદરા ૯ મીમી., સાવલી ૧૨ મીમી., ડેસરમાં ૩૪મીમી., કરજણ ૮૩ મીમી., શિનોર ૩૨ મીમી., ડભોઇમાં ૧૫ મીમી. તથા વાઘોડીયામાં ૫૬ મીમી વરસાદ નોંધાયો હતો. આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ફલ્ડ કંટ્રોલ દ્વારા આપવામાં આવી છે.

કરોડોના ખર્ચે નવી બંધાયેલ એશિયાની સૌથી મોટી
સેશન્સ કોર્ટ બિલ્ડિંગમાં વરસાદનું પાણી ઘૂસી જતાં કર્મીઓમાં દોડધામ

શહેરનાં દિવાળીપુરા વિસ્તારમાં કરોડોનાં ખર્ચે નવી બંધાયેલ એશિયાની સૌથી મોટી સેન્શન કોર્ટ બિલ્ડીંગમાં પણ વરસાદનાં પાણી પડતાં કોર્ટ રૂમમાં પાણી ઘુસી ગયા હતા. કરોડોનાં ખર્ચે નવી બંધાયેલ કોર્ટની ઇમારતમાં પાણી પડવાથી અગત્યનાં દસ્તાવેજોને બચાવવા કર્મચારીઓ કામે લાગ્યા હતા. વરસાદનાં પાણી કોર્ટ રૂમમાં પણ ઘુસી જતાં કર્મચારીઓને વાઇપરથી પાણી બહાર કાઢવાની ફરજ પડી હતી. નવા કોર્ટ સંકુલ ચારેય તરફથી ખુલ્લું હોઇ, વરસાદની ઝાપટો આવતી હોવાથી કોર્ટ સંકુલની લોબીઓમાં પાણી ફરી વળતા વકીલો તથા અસીલોને બેસવાની જગ્યા મળી ન હતી. તમામ લોકોને ઉભા રહેવાની ફરજ પડી હતી. નવી કોર્ટ સંકુલમાં પ્રથમ વરસાદમાં પાણી ભરાતા વકીલોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.