(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૦
શહેરમાં પથરાયેલી શાંતિ અને ધંધા-રોજગારથી ધબકતા જનજીવને અસ્તવ્યસ્ત કરવા ચોક્કસ કટ્ટરવાદી તત્ત્વો એક્ટીવ થયા છે. છેલ્લાં કેટલાક દિવસોથી રોજ રાત્રીનાં સમયે એકલ દોકલ જતા મુસ્લિમને નિશાન બનાવી હુમલાઓ થઇ રહ્યાં છે. આ હુમલાઓ મુસ્લિમ સમાજને ઉશ્કેરવા માટે અને શહેરમાં કોમી તોફાન ફાટી નીકળે તેવા ચોક્કસ રાજકીય હેતુ પાર પાડવા થઇ રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
મહારાણા પ્રતાપની જન્મ તિથિ નિમિત્તે કરણી સેનાએ ખુલ્લી તલવારો સાથે રેલી કાઢી હતી. આ રેલીનો રૂટ બદલી ન્યાયમંદિર પાછળ દુધવાલા મહોલ્લા વાળા માર્ગ તરફ કરવામાં આવ્યો. મહોલ્લો નજીક આવ્યો એ સાથે ઝાકરીયા મસ્જીદ ઉપર રેલીમાં રહેલા નફટ અને નપાવટ તત્વોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ મુસ્લિમોએ પરિપકવતા અને ધિરજપૂર્વક કામ લીધું હતું. સહેજ પણ ઉશ્કેરાટ વગર શાંતિ જાળવી હતી. પરિણામે પોલીસે પથ્થરમારો કરનારા માણસોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
ઇદના દિવસે કરણી સેનામાં સામેલ માણસોએ કરેલા પથ્થરમારા પછી આ સીલસીલો જારી રહ્યો છે. કાલુપુરામાં વાડી સ્થિત રહેતા બે યુવકો મનીત ખેરૂવાલા તથા તેનો ભાઇ રાત્રીનાં સમયે પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન બન્નેને ઘેરી કટ્ટરવાદી તત્ત્વો લાકડી, હોકી જેવા મારક હથિયારોથી તૂટી પડયા હતા. બન્ને યુવકો માંડ માંડ બચ્યા હતા.
બીજો બનાવ પણ કાલુપુરા વિસ્તારમાં બનવા પામ્યો હતો. જેમાં યાકુતપુરામાં રહેતાં અન્ય એક મુસ્લિમ શખ્સ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ તે ભાગી છૂટતા બચી ગયો હતો. ત્રીજો બનાવ ૧૮મી તારીખે રાત્રે બન્યો હતો. સલાટવાડામાંથી પસાર થઇ રહેલા મચ્છીપીઠમાં રહેતા એક આધેડ ઉપર હિંસક હુમલો થયો હતો. જ્યારે ગત રાત્રીનાં શાસ્ત્રીબાગ નજીક રાત્રીનાં સમયે બે મુસ્લિમ યુવકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મયુર કદમ નામના એક યુવાને કોમી તોફાન થાય તેવા ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ કરતાં પોલીસે તાબડતોબ તેની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. વાડી તાઇવાડામાં ગત રાતનાં તોફાન કરવાનાં ઇરાદે કટ્ટરવાદીઓએ મુસ્લિમ વિસ્તારમાં પથ્થરમારો કર્યો હતો. પરિણામે બન્ને કોમનાં ટોળા સામસામે આવી પથ્થર મારવાના શરૂ કરતાં વાતાવરણ ડહોળાયું હતું. પોલીસે મામલો થાળે પાડયો હતો. તોફાની તત્ત્વોએ રાતનાં એક વાગ્યે યાકુતપુરાનાં નાકે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારો કરી રહેલા ટોળાઓને વિખેરવા ૩ ટીયર ગેસનાં સેલ છોડયા હતા.આ ઉપરોકત સીલસીલાબધ્ધ બની રહેલા બનાવોને કારણે ચોક્કસ કટ્ટરવાદી તત્વો રાત્રીનાં સમયે જ મુસ્લિમોને નિશાન બનાવી શહેરમાં કોમી તોફાનો ફેલાવવા કટીબદ્ધ થયા છે. પોલીસ જો આ અંગે તપાસ કરે તો કોના ઇશારે અને કોના રાજકીય પીઠબળ હેઠળ આ બનાવો બની રહ્યાં છે તેની વિગતની જાણી શકાય તેમ છે. પોલીસ જો નિષ્ઠાપૂર્વક તપાસ નહીં કરે તો તોફાની તત્વોને છૂટો દોર મળી જશે અને મહોલ્લા પાસેથી પસાર થતા મુસ્લિમો ઉપર જીવલેણ હુમલા કરી કોમી તોફાન ફેલાવવા પ્રયત્નો જારી રાખશે. આથી શહેરનાં મુસ્લિમ અગ્રણીઓએ સત્વરે ગુપ્ત રાહે તપાસ યોજી તોફાની તત્વોને ઉગતા ડામી દેવા માંગ કરી છે.
આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી શહેરમાં કોમી તોફાનો યોજવાનો ચોક્ક્સ ઇરાદો હોય તેવું ઉપરોકત બનાવોથી ફલીભૂત થાય છે. પોલીસ તટસ્થની ભૂમિકા સૌથી વધુ મહત્વની હોવાનું ચર્ચાઇ રહ્યું છે.