(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
કામ પ્રમાણે સમાન વેતન અને કાયમી કરવાની માંગણી સાથે છેલ્લા ૩૨ દિવસથી ઉપવાસ આંદોલન કરી રહેલી આશા વર્કર બહેનો પૈકી એક બહેનનું મોત થતાં ભાજપ સરકાર સામે રોષ ભભુકી ઉટ્યો છે. મૃતકનાં પરિવારજનોએ રાજ્ય સરકારને જવાબદાર ઠેરાવી ફીટકારની લાગણી વરસાવી છે. હવે આંદોલનને ઉગ્ર બનાવવા નિર્ધાર જાહેર કરવામાં આવ્યો છે.
અનગઢ ગામમાં રહેતા દરિયાબેન ભીમસિંગભાઈ વાઘેલા નામના બહેન આશાવર્કર છે અને પ્રથમ દિવસથી આંદોલનમાં સતત જોડાયેલા હતાં. કલેકટર કચેરીના પ્રાંગણમાં શરૂ થયેલા ઉપવાસ આંદોલનમાં તેઓ પણ એક ઉપવાસી હતાં. આંદોલનને કારણે તેઓ ખુબ તાણ અનુભવતા હતાં.
ગત ૨૧મી તારીખે પુર્વ મેયર જ્યોતિબેન પંડ્યાનું પુતળુ બાળ્યા બાદ કાર્યક્રમ દરમિયાન દરિયાબેનની તબીયત બગડી હતી. આથી તાત્કાલીક તેમને ગોત્રી સ્થિત સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ અનગઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા અનગઢ ગામમાં માતમ છવાયો હતો.
દરિયાબેનનાં પરિવારજનોએ સરકાર સામે ભારે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, આંદોલનને કારણ દરિયાબેનની આવક બંધ થઈ ગઈ હતી. આથી આર્થિક મુશ્કેલી અનુભવતા હતાં. તેઓ સતત તાણ અનુભવતા હતાં. આને કારણે એમનું મોત નિપજ્યુ છે. આંદોલનકારી આશાવર્કર બહેનોએ પણ ભાજપ સરકારને જવાબદાર ઠેરવી છે. દરિયાબેનના મોતને એળે જવા નહિં દઈએ હવે આંદોલન ઉગ્ર બનાવીશું અને માંગણીઓ નહિં પુરી થાય ત્યાં સુધી ચાલુ રાખીશું. આશાવર્કર બહેનો સામે પોલીસે ખોટા કેસો કરી હેરાન કરવા પ્રયત્ન કર્યો છે. અમારા બે કાર્યકરો ચંદ્રિકાબેન સોલંકી અને રજનીકાંત સોલંકીની ધરપકડ કરવામાં આવી છે તેમને જામીન મુક્ત કરાવીને જંપીશુ તેમ આશાવર્કર આંદોલનકારી બહેનોએ જણાવ્યું હતું.