(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
આગામી તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇની જન્મજયંતિએ તેમની વિરાટ પ્રતિમાનું લોકાર્પણ કરતાં અગાઉ રાજય સરકાર દ્વારા એકતા રથ યાત્રા શરૂ કરવામાં આવી છે. વડોદરામાં આજે આરંભાયેલી આ યાત્રાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો અને ૯૦ ટકા જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહેતા સરકારની યોજનાઓમાં તેઓને ઝાઝો રસ ન હોવાનું પ્રસ્થાપિત થયું છે. નર્મદા ડેમ નજીક સાધુ ટેકરી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનીને તૈયાર થઇ ગઇ છે. તા૩૧મી ઓકટોબરે, વડાપ્રધાન તેનું લોકાર્પણ કરશે. આ લોકાર્પણ સાથે લોકચેતનાની શકિતને જોડવા રાજ્ય સરકારે બે તબક્કામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથયાત્રાનું આયોજન કર્યું છે. જે રાજ્યમાં દશ હજાર ગામોમાં કરશે અને સરદારની રાષ્ટ્રભકિત અને જીવન ઘડતરનાં સંદેશનો પ્રચાર કરશે. શહેર જિલ્લામાં વડોદરા કોર્પોરેશન તેમજ વડોદરા જિલ્લા પ્રશાસન જિલ્લા પંચાયત દ્વારા તા.૨૦ થી ૨૯ ના પ્રથમ તબક્કામાં એકતા રથયાત્રા યોજશે. પ્રથમ તબકકામાં વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના ૧૨ થી ૬ વહીવટી વોર્ડસમાં એક એકતા રથનું પરિભ્રમણ શરૂ કરવામાં આવ્યું હતું. આજથી વડોદરામાં શરૂ થયેલા આ યાત્રામાં ૯૦ ટકા જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. જેથી સરકારી કાર્યક્રમોમાં તેઓને જ રસ ન હોવાની બાબત છતી થઇ હતી. જે વિષય લોકોમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો. આ ઉપરાંત કેટલાક ધારાસભ્યોની પણ સૂચક ગેરહાજરી વર્તાઇ હતી.