(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૮
રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીમાં કેન્દ્રિય ચૂંટણી આયોગે ઇવીએમ મશીનમાં સૌ પ્રથમવાર નોટાનો (નન ઓફ ધી એબાવ) પ્રયોગ કર્યો છે. મતદાતાને કોઇ પણ ઉમેદવાર પસંદ ન હોય તો તે નોટાનું બટન દબાવી શકે છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા નવા રજૂ કરેલા નોટા બટનનો પ્રચાર કરવામાં આવ્યો ન હોવાથી, આજે એક સામાજિક કાર્યકરે શરીર ઉપર લોખંડની બેડીઓ અને સાંકળ પહેરી કોઠી સ્થિત કલેકટર કચેરી સામે દેખાવ કર્યા બાદ ચૂંટણી તંત્રની નોટાના પ્રચાર કરવા આવેદન સુપ્રત કર્યું ત્યારે ભારે કૂતુહલ સર્જાયુ હતું.
ચૂંટણી તંત્ર દ્વારા વધુ મતદાન કરવાનો પ્રચાર પુરજોશમાં થઇ રહ્યો છે. પરંતુ નોટાનો પ્રચાર કરવામાં આવતો ન હોવાથી લાખો મતદાતાઓને નોટા બટન અંગેની જાણ નથી. ચૂંટણી તંત્ર વધુ મતદાન થાય તેનો ભરપુર પ્રચાર કરે છે. પરંતુ નોટાના ઉપયોગ વિશે મૌન છે. આથી આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી શરીર ઉપર લોખંડની બેડીઓ અને સાંકળ ધારણ કરી કોઠી સ્થિત કલેકટર કચેરીના પ્રાંગણમાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે વર્ષોના સંઘર્ષ પછી ઇવીએમ મશીનમાં છેલ્લુ બટન નોટાનું મળ્યું છે. મતદાતાને કોઇ ઉમેદવાર જો પસંદ ન હોય તો આ બટન દબાવી શકે છે. નોટાનો ઉપયોગ નકારાત્મક નથી. પરંતુ હકારાત્મક છે. મતદાતાએ આપેલો મત દર્શાવે છે કે, તેને એક પણ ઉમેદવાર પસંદ નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાસક પક્ષ અને વિપક્ષે મતદારોને જંજીરોમાં બાંધી દીધા છે. મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર નીચે કચડાયેલા નાગરિકોને શાસકોએ બેડીઓથી બાંધી દીધા છે. એટલા માટે લોખંડની જંજીરો પહેરી શાસકોને સંદેશો આપવા માગીએ છીએ.
તેમણે ચૂંટણી અધિકારીને આ અંગે આવેદન પણ સુપ્રત કર્યું હતું.