(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૩
દિવાળીની રજાઓમાં પિયરમાં જવા પત્નીએ કરેલી હઠને કારણે તુમાખી દિમાગના પતિએ ગુસ્સામાં પત્ની અને પુત્રીને ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે વાઘોડિયા રોડ સ્થિત નંદનવન સોસાયટીમાં માતમ છવાયો હતો. બચાવવા માટે વચ્ચે પડેલ ભાઈ અને બહેનને ઈજા થઈ છે. બેવડી હત્યા કર્યા બાદ નિર્દય પતિ પાણીગેટ પોલીસ મથકે હાજર થઈ પોતે કરેલા પરાક્રમની કબૂલાત કરી હતી. વિગત અનુસાર વાઘોડિયા રોડ ઉપર આવેલી નંદનવન સોસાયટીમાં જી-૩૬ નંબરના મકાનમાં રાજેશભાઈ નાનજીભાઈ રાજ તેમના પરિવાર સાથે રહે છે અને મહાનગર સેવાસદનમાં વોર્ડ નં.૯મા કારકુન તરીકે નોકરી કરે છે. પરિવારજનોમાં પત્ની દક્ષાબેન (ઉ.વ.૪૨) બે પુત્રીઓ પાર્થવી (ઉ.વ.૨૩), મૃણાલી (ઉ.વ.૨૧) અને પુત્ર રેવન્ત (ઉ.વ.૧૫) છે. દિવાળીનો તહેવાર હોવાથી પત્ની દક્ષાબેને પોતાના મા-બાપને મળવા જવા પતિ સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં પુત્રી મૃણાલી પણ જોડાઈ હતી. પરંતુ તુંડ મીજાજી પતિ રાજેશભાઈ રાજે ઘસીને ના પાડી દેતા પતિ પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. પુત્રી મૃણાલીએ પોતાની માતાનો પક્ષ લીધો. રાજેશનો ગુસ્સો સાત આસમાને પહોંચ્યો. આ સામાન્ય ઝઘડો શનિવાર સવારથી શરૂ થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું. આજે વહેલી સવારે ફરી થયેલા ઝઘડાનું પરિણામ લોહીયાળ આવ્યું હતું. ભારે ગુસ્સે ભરાયેલા રાજેશ રાજે ધારદાર ચપ્પાથી પ્રથમ પત્ની દક્ષાબેન (ઉ.વ.૪૨)ને છાતીના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી પુત્રી ૨૧ વર્ષની પુત્રી મૃણાલીને ઝપટમાં લઈ તેને પણ ઘા માર્યા હતાં. માતા અને પુત્રી બંને ઘડી બે ઘડીમાં લોહીલુહાણ હાલતમાં નીચે ફસડાયા હતાં. ઘરમાં મોતના તાંડવ વચ્ચે માતા અને બહેનને બચાવવા માટે આડા પડેલી મોટી પુત્રી પાર્થવી અને પુત્ર રેવન્તને ચાકુના ઘા વાગવાથી ઈજાઓ થઈ હતી. તેમણે તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવી માતા તથા બહેનને સયાજી હોસ્પીટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં બંનેનાં મોત નિપજ્યા હતાં. ઈજાગ્રસ્ત બહેન-ભાઈ સારવાર હેઠળ છે. બેવડી હત્યા કર્યા બાદ હત્યારો રાજેશ રાજ નિર્ભય પણે પાણીગેટ પોલીસમથકે હાજર થઈ પોતે કરેલા મહા પરાક્રમની કબુલાત કરતાં પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસે ફોરેન્સીક પુરાવાઓ સહિત હત્યામાં વપરાયેલ હથિયાર કબજે લઈ રાજેશની ધરપકડ કરી છે. ચાકુ શાક સમારવાનું છે જેનો ઉપરથી લોહીના ડાઘ રૂમાલથી લુછી નાંખવામાં આવ્યા હતાં. પો.ઈ.બી.એમ. રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.