(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૩૧,
શહેરના તા.૨-૯-૨૦૧૭ને શનિવારના રોજ ઈદનો તહેવાર ઉજવવામાં આવનાર છે તેમજ ગણેશ ઉત્સવનો પર્વ પણ ચાલે છે. શહેરમાં આ તહેવારોમાં દરેક વહિવટી વોર્ડ દ્વારા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સફાઈ કરાવવા, જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો ખૂબ જ જરૂરી છે. ગુજરાતમાં અને વડોદરા શહેરમાં નાગરિકોના સ્વાઈન ફલૂથી મરણ થયા છે અને આ રોગના દર્દીઓ પણ દવાખાનામાં દાખલ છે. શહેરમાં રોગચાળો ફેલાય નહિં તેના માટે દરેક વોર્ડમાં સઘન સફાઈ ઝુંબેશથી કામગીરી કરાવવી, કચરો તેમજ અન્ય વેસ્ટનાં યોગ્ય તે નિકાલ કરવાની વ્યવસ્થા કરવવી ખૂબ જ જરૂરી છે અને આ કામગીરી કરાવવા માટે ડોર ટુ ડોર ગાડી નિયમિત આવે તેવી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ તેમજ વેસ્ટ અને કચરાના ઢગલાઓ ઉપાડવા માટે જરૂરી વાહનોની વહિવટી તંત્ર દ્વારા ગોઠવવાની ખાસ જરૂરિયાત છે. શહેરના નાગરિકોને તહેવારો દરમિયાન પૂરતા પ્રમાણમાં અને પૂરતા પ્રેશરથી પીવાનું સ્વચ્છ પાણી મળે તે અંગે પાણી પુરવઠા દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવા તાતી જરૂરિયાત છે. શહેરમાં શિક્ષણ સમિતિની શાળાઓ અને ટ્રસ્ટ સંચાલિત ખાનગી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને આવા ભયજનક રોગોથી બચાવવા ખાસ સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ હાથ ધરવી જોઈએ. આ બંને તહેવારો દરમિયાન શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આવતા જતા રાહદારીઓને રખડતા ઢોરોનો ત્રાસ પણ સત્વરે દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે માટે તમામ વહિવટી વોર્ડ દ્વારા કાર્યવાહી કરાવવાની માંગણી પૂર્વ કોંગ્રેસ ઉપપ્રમુખ આઈ.ડી.પટેલ મ્યુ. કમિશનરને પાઠવેલ પત્રમાં કરી હતી.