(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૦
શહેરમાં મુખ્યમંત્રી આવે એટલે કોઈ અડખે-પડખે ફરકવું ન જોઈએ એવી માનસિકતા ધરાવતી શહેર પોલીસે ગઈકાલે સમા વિસ્તારમાં જેમ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના રસાલા સાથે પ્રચાર કરવા નિકળ્યા હતા તેમ કોંગ્રેસના કાર્યકરો પણ પ્રચાર અર્થે નિકળતા સમા અને ફતેગંજની પોલીસે ૧૦ જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી. જેના પગલે કોંગ્રેસ આઈટીસેલના અધ્યક્ષે ચુટણી પંચને ફરિયાદ કરી પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરૂવારે વડોદરા આવ્યા હતા. ચૂંટણી જનસંપર્ક અભિયાનના ભાગરૂપે તેઓ તેમના રસાલા સાથે સમા વિસ્તારમાં ઘેર ઘેર ફરી પ્રચાર અર્થે નિકળ્યા હતા. આ વેળા કોંગ્રેસના કાર્યકરો પણ સમા વિસ્તારમાં પરંતુ અલગ સોસાયટીઓમાં ઘેર ઘેર પ્રચાર અર્થે નિકળ્યા હતા બંને રસાલા વચ્ચે ખાસ્સુ અંતર હતું. આથી મુખ્યમંત્રીની સુરક્ષામાં જોડાયેલી સમા અને ફતેગંજ પોલીસમથકના સ્ટાફે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના ૧૦ જેટલા કાર્યકરોની ધરપકડ કરી લીધી હતી. ધરપકડનું કારણ પૂછવામાં આવ્યું તો પોલીસે જવાબ આપ્યો કે ઉપરથી ઓર્ડર આવેલો છે. કોંગ્રેસ આઈટીસેલના અધ્યક્ષ દેવ પટેલે જણાવ્યું હતું કે આચાર સંહિતા લાગુ હોવાથી અમારે સત્તાધારી ભાજપ સામે દેખાવો કરવાના ન હોય. અમે શાંતિપુર્વક પ્રચાર કરી રહ્યા હતાં. તેમ છતાં પોલીસે અમારી ધરપકડ કરી આખો દિવસ પોલીસમથકમાં બેસાડી રાખ્યા અને મુખ્યમંત્રી વડોદરા છોડી રવાના થયા ત્યારે અમને મુક્ત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર ઘટનાને પગલે દેવ પટેલે દિલ્હી સ્થિત ચુટણી કમિશ્નરને પત્ર લખી ફરિયાદ કરી છે. સાથો સાથ ગાંધીનગર ખાતે પણ ચુટણી પંચને ફરિયાદ કરી ખોટી રીતે અટકાયત પોલીસ કર્મચારીઓ અને સંબંધિત પોલીસ અધિકારીઓ સામે પગલા ભરવા માંગણી કરી છે.