(એજન્સી) બરેલી, તા.૨૩
બરેલીના આલિમે દીન મુફ્તિ અખ્તર રઝા ખાં કાદરી ‘‘અઝહરી મિયાં’’ને રવિવારે સુપુર્દે ખાક કરાયા હતા. તેમના જનાઝાની નમાઝ ઇસ્લામિયા મેદાનમાં તેમના પુત્ર અને શહેર કાઝી અસજદ મિયાંએ અદા કરાવી હતી. નમાઝમાં બરેલીના સ્થાનિક લોકો સાથે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં અકીદતમંદો ઊમટી પડ્યા હતા. નમાઝે જનાઝા બાદ અઝહરી મિયાંને સૌદાગરાન ખાતે આવેલી દરગાહ આલા હઝરત પાસે અઝહરી ગેસ્ટ હાઉસમાં દફનાવાયા હતા. અઝહરી મિયાં છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તબીયત વધુ બગડતાં તેમને મિશન હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ગુરૂવારે તબીયતમાં સુધારો થતાં તેમને પરત દરગાહ આલા હઝરત ખાતે તેમના ઘરે લવાયા હતા પરંતુ શુક્રવારે સાંજે તેઓ ફાની દુનિયા છોડી ગયા હતા.
તેમના ઇન્તેકાલના સમાચાર વાયુવેગે દેશ-વિદેશમાં તેમના મુરીદોમાં ફેલાતાં શોકનો માહોલ છવાયો હતો અને નમાઝે જનાઝામાં સામેલ થવા માટે દેશના ઘણા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મુરીદો બરેલી પહોંચી રહ્યા હતા. આલા હઝરત ખાનદાનમાં જન્મેલા અઝહરી મિયાં સમગ્ર જીવન આલા હઝરતના મિશનને આગળ વધારવામાં ગુજાર્યું હતું. અઝહરી મિયાંનો જન્મ બીજી ફેબ્રુઆરી ૧૯૪૩ના રોજ થયો હતો. તેમની પ્રારંભિક તાલીમ મદ્રસા દારૂલ ઉલૂમ મંઝરે ઇસ્લામમાં થઇ હતી તેમણે અહીં ઉર્દૂ ઉપરાંત ફારસીની પણ તાલીમ લીધી હતી.