(એજન્સી) ગુડગાંવ, તા.૧ર
ગુડગાંવ પોલીસે એક ગેરાયદેસર કેસીનોનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ૪૩ લોકોની ધરપકડ કરી છે. કેસીનોના સંચાલક હરિયાણા પોલીસનો એક પૂર્વ કોન્સ્ટેબલ છે જે દોઢ વર્ષ પહેલા ફરાર હતો. પોલીસે કેસીનોમાંથી રર લાખ રૂપિયા જપ્ત કર્યા છે. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે.
આ ઘટના ગુડગાંવના પોશ વિસ્તાર-સાઉથ સિટી વનનો છે. એક દિવસ પહેલા પોલીસને એ વિસ્તારમાં એક ગેરકાયદે કેસીનો ચલાવતા હોવાની ફરિયાદ મળી હતી. પોલીસ ટીમે કાર્યવાહી કરતા છાપામારી કરી હતી અને ઘટના સ્થળ પરથી જ મહિલાઓ સહિત ૪૩ લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે ઘટના સ્થળ પરથી રર લાખ ૪૪ હજાર રૂપિયા ર૧૦ ટોકન, ૩ લેપટોપ અને એક નોટ ગણવાની મશીન જપ્ત કરી હતી અને સાથે એક પિસ્તલ અને ચાર જીવતા કારતૂસ પણ મળ્યા હતા. પોલીસે આ મામલે કેસીનોના સંચાલકની ધરપકડ કરતા દંગ રહી ગયા હતા.કેસીનો સંચાલક હરિયાણા પોલીસનો ફરાર કોન્સ્ટેબલ પરમજીતસિંહ હતો. ગત વર્ષ ફેબ્રુઆરીમાં મુંબઈની એક હોટેલમાં ગુડગાંવ પોલીસની ક્રાઈમ બ્રાંચે ગેંગસ્ટર સંદીપનું એન્કાઉન્ટર કર્યું હતું. આ મામલાને નકલી એન્કાઉન્ટર ગણાતા પોલીસે ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમના ૬ સભ્યોની ધરપકડ કરી હતી જેમાંથી એક પરમજીતસિંહ તે સમયે ફરાર હતો.