(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
રાજ્યની ભાજપ સરકાર અને પાલિકાના ભાજપ શાસકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાર્કિંગ અભિયાન શરૂ કરાયું છે. જેમાં એપાર્ટમેન્ટ અને શોપિંગ કોમ્પલેક્ષના પાર્કિંગની ગેરકાયદે કવર કરી દેવાયેલી જગ્યા ખુલ્લી કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જોકે શહેરના રિંગરોડ વિસ્તારની લગભગ તમામ કાપડ માર્કેટોમાં પાર્કિંગના ભાગે બાંધી દેવામાં આવેલી ગેરકાયદેસરની દુકાનોને તોડવા માટે કોઇ જ પ્લાન ન બનાવનાર સુરત મનપાના નિષ્ઠાવાન અધિકારીઓ રહેણાંક વિસ્તારમાંની ગેરકાયદેસરની કેટલીક ઇમારતો તોડવામાં ભારે સુરાતન દર્શાવી રહ્યા છે. ત્યારે વરાછામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે ખુદ પાલિકાના મેયર ડો.જગદીશ પટેલના ભાઇના ક્લાસીસનો વિરોધ શરૂ થયો છે.
મનપા મેયરના ભાઇએ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર ક્લાસીસ બનાવી દીધા છે. રહીશોને પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોવાથી તેઓએ વિરોધમાં ધરણા શરૂ કર્યા છે અને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા માંગ કરી છે.
અહિંના રહીશોની એક જ માંગણી છે કે, એપાર્ટમેન્ટના બેઝમેન્ટનું ઉભું કરાયેલું ક્લાસીસ અને પોસ્ટ ઓફિસનું બાંધકામ તોડી પાર્કિંગ માટેની જગ્યા ખુલ્લી કરવામાં આવે. આ અંગે મેયર ડો.જગદીશ પટેલને પુછતા તેમણે એ વાત કબુલી હતી કે રીંગલ ક્લાસીસના સંચાલક તેમના નાનાભાઇ રમેશભાઇ છે. હવે જોવાનું એ રહે છે કે મોટા ઉપાડે શહેરભરમાં હથોડા લઇને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા નીકળતી પાલિકાની ટીમ મેયરના ભાઇના ક્લાસીસ પર હથોડા ઝીંકે છે કે કેમ ?