(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૬
વાલવોડ ગામનાં ઋષી પટેલે આ અનોખી શોધ કરી છે. આણંદની ડી. ઝેડ. પટેલ હાઈસ્કુલમાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં ઋષી હિતેશભાઈ પટેલે પેટ્રોલ ડીઝલનાં વધતા જતા ભાવ અને પર્યાવરણને બચાવવા માટે સંશોધન કરીને બેટરી સંચાલિત મોટરસાયકલનું સર્જન કર્યું છે. આ અંગે ઋષી પટેલે જણાવ્યું હતું કે આ બેટરી સંચાલિત મોટરસાયકલમાં તેણે બાર-બાર વોટની ચાર બેટરીઓ બેસાડી છે. અને જેની મદદથી આ મોટરસાયકલ એકવાર બેટરી ચાર્જ કરવાથી ૧૫૦ કિ.મી. અંતર કાપી શકે છે અને બેટરી ચાર્જ કરવાનો ખર્ચ માત્ર રૂા. ૮ આવે છે એટલે કે માત્ર રૂા. ૮ ના ખર્ચમાં ૧૫૦ કિ.મી. મોટરસાયકલ ફેરવી શકાય છે. તેમજ આ મોટરસાયકલમાં વોટરપ્રુફ સ્પેરપાટ્‌ર્સનો ઉપયોગ કરવાને કારણે મોટરસાયકલ વરસાદમાં પાણીમાંથી પસાર થવા છતાંય બંધ પડતી નથી અને મોટરસાયકલ પર ૫૦૦ કિલો વજન વહન કરી શકાય છે અને જો વીજ જોડાણથી બેટરી ચાર્જ ન કરવી હોય તો સોલાર પેનલથી પણ આ બેટરીને રીચાર્જ કરી શકાય છે. ઋષી પટેલે જણાવ્યું હતું કે અંતરીયાળ વિસ્તારમાં જ્યાં વીજળીની સુવિધા હોતી નથી તેમજ ખેડુતોને પોતાના ખેતરોમાં અવર જવર કરવા માટે આ મોટરસાયકલનો ઉપયોગ કરવાનો હોય તો તેઓ વીજળી વિના સોલાર પેનલથી બેટરી રીચાર્જ કરી તદ્દન વિના ખર્ચે મોટરસાયકલ ફેરવી શકે છે. આ મોટરસાયકલ તૈયાર કરવામાં તેને ૧૫ દિવસનો સમય લાગ્યો હતો. અને જુની પેટ્રોલની મોટરસાયકલમાં સંશોધન કરી મોડીફાઈ કરી તેણે આ બેટરી સંચાલિત મોટરસાયકલનું સર્જન કર્યું છે. તેમજ આગામી દિવસોમાં તે વધુ સંશોધન કરી મોટરસાયકલની સાથે જ સોલાર પેનલ લગાડી સૌર ઊર્જાથી સંચાલિત મોટરસાયકલનું સર્જન કરશે. હાલમાં આ બાઈક ડી. ઝેડ. હાઈસ્કુલમાં આયોજીત વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરાઈ છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ મોટરસાયકલ નિહાળી હતી. માત્ર ૧૭ વર્ષના કિશોરે કોઈપણ જાતનાં ઓટો મોબાઈલ્સનાં અભ્યાસ વિના આ ઈબાઈકનું નિર્માણ કર્યું છે.