(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૨૫
હાલમાં જયારે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે,ત્યારે આણંદ જિલ્લાનાં કરમસદનાં યુવાનએ બેટરીથી ચાલતી સિંગલ સીટેડ કાર બનાવી છે,અને આ કારને તે સોલાર કારમાં પરિવર્તન કરવા માટે સંશોધન કરી રહ્યો છે.વલ્લભવિદ્યાનગર કરમસદનાં માર્ગો પર ફરતી આ કાર લોકોમાં આકર્ષણ જમાવી રહી છે,
કરમસદનાં જાગૃત પટેલએ જાતે સંશોધન કરીને ધરે બેટરીથી ચાલતી કાર બનાવી છે,અને એકવાર કારની બેટરી ચાર્જીંગ કરવાથી આ કાર ૩૫ કિલોમીટર દોડે છે,પ્રતિ કલાક ૪૦ થી ૬૦ કિલોમીટરની સ્પીડથી દોડતી આ કારમાં ૧૨ વોટની એક એવી ચાર બેટરીઓ જોડવામાં આવી છે,તેમજ સીટ બેલ્ટ પણ છે,તેમજ એક વ્યકિત આરામદાયક રીતે આ કાર ચલાવી શકે છે,
વરસાદથી બચવા માટે કારની આસપાસ પરદા પણ ખોલી બંધ કરી શકાય છે.તેમજ કારમાં ઈલેકટ્રીક મોટર અને ચેઈનથી વ્હીલ ફરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે,તેમજ હાઈડ્રોલિક ડીસ્ક બ્રેક અને એલઈડી લાઈટો લગાવેલી છે,તેમજ આ કાર ખુબજ નાની હોવાથી કોઈ પણ ગલી કુંચીમાં આરામથી અવર જવર કરી શકાય તેવી છે,અને માત્ર ૧૫૦ કિલો વજન ધરાવે છે,
સરદાર પટેલ યુનિવર્સીટીમાંથી તાજેતરમાં હોસ્પીટાલીટી હોટલ મેનેજમેન્ટમાં બીબીએની પદવી પ્રાપ્ત કરનાર જાગૃત પટેલએ જણાવ્યું હતું કે અગાઉ તેણે પેટ્રોલથી ચાલતી મીની કાર પણ બનાવી હતી જયારે હાલમાં પેટ્રોલ ડીઝલનાં વધતા ભાવનાં કારણે તેણે બેટરી સંચાલિત કાર બનાવી છે,અને આગામી દિવસો તે આ કારમાં વધુ સંશોધન કરી કારમાં સોલાર સીસ્ટમ ફીટ કરશે જેથી સૌર ઉર્જાથી પણ કાર ચલાવી શકાસે,તેમજ મહિલાઓ પણ આ કાર લઈને બજારમાં જઈ શકે તે માટે કારમાં પાછળનાં ભાગે સામાન મુકવાની ડીકી બનાવવાનું પણ નક્કી કર્યું છે.