(ઇસરાઇલ શેખ દ્વારા) સુરત, તા.૧૮
સમગ્ર સુરત શહેર અને જિલ્લામાંથી જિલ્લા મેજીસ્ટ્રેટ શાખામાં પાછલા પાંચ વર્ષ દરમિયાન ધર્મ પરિવર્તન કરવાની ૪૫૧ અરજીઓ આવી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ શાખાએ જે તે સમયે મુસ્લિમમાંથી હિન્દુ બનવાની ૭ પૈકી ત્રણ અરજી મંજૂર કરી અન્ય ધર્મમાં પરિવર્તનની ૫૧૨ અરજી નામંજૂર કરી હતી. હિન્દુમાંથી બૌદ્વ ધર્મ પરિવર્તન કરવાની અરજી પણ પાછલા ૨૦૧૨થી ૨૦૧૬ સુધીના પાંચ વર્ષના સમયગાળામાં આવી હતી. પરંતુ પૂર્વ સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે નામંજૂર કરી હતી. ત્યારબાદ આ જ બૌદ્ધ ધર્મમાં પરિવર્તન થવાની અરજીને રી-ઓપન કરી હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન થવાની પ૦૦ અરજીમાંથી ૪૩૦ને નવા વર્ષમાં મંજૂર કરવામાં આવી હોવાનું મેજીસ્ટ્રેટ શાખાના નાયબ મામલતદાર હિરેન દેસાઇએ જણાવ્યું હતું. પાંચ વર્ષ બાદ સૌ પ્રથમ ૪૩૦ હિન્દુઓને બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવા સરકારની મંજૂરીની મહોર લાગી હોવાથી બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર પ્રમાણપત્ર વિતરણ કરવાનો એક કાર્યક્રમ સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલના અધ્યક્ષ સ્થાને સુરત શહેરના ગોડાદરા મંગલ પાંડે હોલ ખાતે શનિવારના રોજ યોજાનાર હોવાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે જ સુરત શહેરમાં ૪૩૦ હિન્દુભાઈઓ બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા હોવાનો કાર્યક્રમ યોજાશે. જેમાં કલેકટરની ઉપસ્થિતિને લઈ સમગ્ર શહેરમાં ચર્ચા ઉઠી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર અને જિલ્લામાંથી કલેક્ટર કચેરીની મેજીસ્ટ્રેટ શાખામાં ગત વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ – ૧૭ સુધીના પાછલા પાંચ – છ વર્ષ દરમિયાન ધર્મ પરિવર્તનની કુલ ૫૧૫ જેટલી અરજીઓ આવી હતી. જેમાં શાખાએ જરૂરી પુરાવા, દસ્તાવેજી પુરાવા એકત્રીત કરી, ચકાસણીના અંતે હિન્દુમાંથી મુસ્લિમ બનવાની આવેલ આઠ અરજી પૈકી એક પણ અરજી મંજૂર કરવામાં આવી ન હતી. જ્યારે બીજી બાજુ મુસ્લિમમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવાની આવેલ સાત અરજીમાંથી ત્રણ અરજીને સરકારે મંજૂર કરી હતી. દરમિયાન આ પાંચ વર્ષમાં હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ પરિવર્તનની આવેલ ૫૦૦ અરજીને તાત્કાલિક કલેક્ટર મહેન્દ્ર પટેલના સમયમાં નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ અરજીઓને મેજીસ્ટ્રેટ શાખા દ્વારા ઓપન કરવામાં આવતા ૫૦૦ અરજી પૈકી ૪૩૦ જણને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ પરિવર્તન કરવા સરકારે મંજૂરીની મહોર મારી છે. જે આ વર્ષમાં પ્રથમ સુરતમાં જ મંજૂર કરવામાં આવતો બૌદ્ધ ધર્મ દિક્ષા અંગીકાર સમિતિના કન્વીનર પરિક્ષીત રાઠોડ, રાજેશ સુર્યવંશી, ઉખડુ લાલચંદ, નારાયણ જાદવ, વિષ્ણુ જગદિશ વગેરે બૌદ્ધ ધર્મ સ્વીકારનાર ૪૩૦ વ્યક્તિને પ્રમાણપત્ર વિતરણ કરવા માટે તા.૧૯મીનો શનિવારે એક સમારોહનું આયોજન સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ ઈન્કમટેક્ષના ચીફ કમિશનર સુબચ્ચન રામ તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્યતિ ભવ્ય કાર્યક્રમ શહેરના ગોડાદરા મંગલ પાંડે કોમ્યુનિટી હોલ ખાતે યોજાશે તેમ સમિતિના સુરતના કન્વીનર એડ. પરિક્ષીત બી. રાઠોડએ જણાવ્યું છે. ડો.બાબા સાહેબ આંબેડકરજીનું ભારત બુધ્ધમય કરવાનું સ્વપ્ન હતું તેને સાર્થક કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યાં હોવાનું વધુમાં એડ. રાઠોડે જણાવ્યું હતું.

સુરત કલેકટરાલય ખાતે પાંચ વર્ષમાં ધર્મ પરિવર્તનની અરજીઓનું સરવૈયું !

સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ મેજીસ્ટ્રેટ શાખામાં ગત વર્ષના ર૦૧રથી ર૦૧૬-૧૭ સુધીના પાછલા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ધર્મ આધારિત આવેલી અરજી મંજૂર નામંજૂર પૈકી હિન્દુમાંથી મુસ્લિમની આવેલ ૮ અરજી પૈકી ૮ અરજી નામંજૂર, જ્યારે મુસ્લિમમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન કરવાની આવેલ ૭ અરજી પૈકી ૩ મંજૂર ૪ નામંજૂર, તેવી જ રીતે હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન થવાની આવેલ પ૦૦ અરજી પૈકી ૪૩૦ અરજી મંજૂર થઇ હોવાની આંકડાકીય માહિતીમાં જાણવા મળે છે.